Dubai,તા.29
એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ થઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓને ભારે ટ્રોલ કર્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે.
આ મેચમાં અબરાર અહેમદે સંજુ સેમસનને આઉટ કર્યા બાદ અબરારે પેવેલિયન તરફ ઈશારો કરતાં ઉજવણી કરી હતી. તે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આઉટ કર્યા બાદ વારંવાર પેવેલિયન તરફ જવાનો ઈશારો કરતો જોવા મળ્યો હતો. જો કે, ટીમ ઈન્ડિયાએ મેચ જીત્યા બાદ પાકિસ્તાનના ખેલાડીઓને ભારે ટ્રોલ કર્યા હતાં. હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને જીતેશ શર્માએ સંજુ સેમસન સામે ઊભા રહીને અબરારની પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
જસપ્રીત બુમરાહે પણ હારિસ રઉફને અરીસો બતાવ્યો હતો. હારિસ રાઉફે પ્લેન ક્રેશ અને 6.0નો ઈશારો કર્યો હતો. બાદમાં બુમરાહે રઉફની વિકેટ લીધા બાદ તેને તેની જ ભાષામાં જવાબ આપતાં પ્લેન ક્રેશ કર્યું હોવાનો ઈશારો કર્યો હતો. જસપ્રીતે શાનદાર યોર્કરથી રઉફના સ્ટમ્પ ઉખેડી નાખ્યા હતાં. રઉફને આઉટ કર્યા પછી, બુમરાહની ઉજવણીથી તમામનું ધ્યાન ખેંચ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
આ મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 19.1 ઓવરમાં 146 રન બનાવ્યા હતાં. પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાને સૌથી વધુ 57 રન બનાવ્યા હતાં. ફખર ઝમાને પણ 46 રન બનાવ્યા હતાં. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 150 રન બનાવી મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા તરફથી તિલક વર્માએ સૌથી વધુ 69 રન બનાવ્યા હતાં, જ્યારે શિવમ દુબેએ 33 રન બનાવ્યા હતાં. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.