New Delhi,તા.29
ભારત-પાકિસ્તાનની એશિયા કપ ફાઈનલ મેચમાં ભારતે 5 વિકેટે જીત હાંસલ કરી હતી. ભારતની આ જીતથી પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફથી માંડી પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ બળાપો કાઢ્યો છે. પાકિસ્તાની કેપ્ટને પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરવાની જાહેરાત કરી નિર્લજ્જતાની હદ વટાવી છે.
પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાને નષ્ટ કરી વડાપ્રધાન મોદીએ શાંતિ અને સમાધાનની સંભાવનાઓ ખતમ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની કેપ્ટનની આ નિર્લજ્જતાથી ભારત સહિત વિશ્વભરમાં ટીકાઓ થઈ રહી છે.
મેચમાં હાર બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન સલમાન અલી આગાએ પાકિસ્તાન આતંકવાદ સમર્થક હોવાનો વધુ એક પુરાવો આપ્યો છે. તેણે જાહેરાત કરી હતી કે, આખી પાકિસ્તાની ટીમ પોતાની મેચ ફી ભારતના હુમલામાં માર્યા ગયેલા નાગરિકો માટે દાન કરશે. ઉલ્લેખનીય છે, ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન 7 મેના રોજ પાકિસ્તાન પર થયેલા હુમલામાં નાગરિકોના મોત થયા ન હતા. પણ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ, તેમનો વડો મસૂદ અઝહરના પરિવારજનો અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ ત્રણ દિવસ ભારતે પાકિસ્તાનના એરબેઝ પર હુમલો કર્યો હતો. જેમાં સેનાના જવાન અને અધિકારીઓ માર્યા ગયા હતાં. જેથી સલમાન આગાએ જે સામાન્ય નાગરિકો માટે દાન કરવાની જાહેરાત કરી છે, તે વાસ્તવમાં જૈશ અને લશ્કરના આતંકીઓ અને મસૂદ અઝહરના પરિવારજનો છે.
ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મથક મરકઝ સુભાનલ્લાહ પર હુમલો કર્યો હતો. જેમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના કુલ 14 સભ્યો માર્યા ગયા હતા. તેમાં મસૂદ અઝહરના બે સાળા: કંદહાર હાઇજેકિંગમાં સામેલ આતંકવાદી યુસુફ અઝહર અને બહાવલપુરમાં જૈશ મુખ્ય મથકના સંચાલક મોહમ્મદ જમીલ અહેમદ સમાવિષ્ટ હતો. વધુમાં, આતંકવાદી હમઝા જમીલ, જે તે જ જૈશ મુખ્યાલયમાં રહેતો હતો અને આતંકવાદી મોહમ્મદ જમીલ અહેમદનો પુત્ર, કે જે કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદની કામગીરીનું નિરીક્ષણ કરતો હતો, તે પણ ભારતના હુમલામાં માર્યો ગયો હતો. ભારતીય હુમલામાં મસૂદ અઝહરના ભાઈ ઇબ્રાહિમ અઝહરના દત્તક પુત્ર, જે અફઘાનિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં જૈશ-એ-મોહમ્મદની કામગીરીનું નિરીક્ષણ કરતો આતંકવાદી હુઝૈફા અઝહર પણ ઠાર થયો હતો.ભારતીય હવાઈ હુમલામાં મુઝફ્ફરાબાદમાં મરકઝ બિલાલના સંચાલક યાકુબ મુઘલ, પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર અસગર ખાન કાશ્મીરના પુત્ર આતંકવાદી હસન ખાન અને હસનના સાથી આતંકવાદી વકાસ પણ માર્યો ગયો હતો. આતંકવાદીઓને શસ્ત્રોની તાલીમ આપનારા આતંકવાદી મુદસ્સિર અને અબુ ઉક્ષાને મુરિદકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્ય મથક મરકઝ તૈયબા ખાતે માર્યો ગયો હતો. હવે, પાકિસ્તાની કેપ્ટને જાહેરાત કરી છે કે ટીમની આખી મેચ ફી ભારતીય હવાઈ હુમલામાં માર્યા ગયેલા કથિત નાગરિકોને દાન કરશે. જેના પરથી એક વાત સ્પષ્ટ છે: ભારત વિરુદ્ધ આતંકની ફેક્ટરી ચલાવતા આ AK-47 ધરાવતા આતંકવાદીઓને માર્યાના સાડા ચાર મહિના પછી પાકિસ્તાની ક્રિકેટ ટીમ તેમનું સન્માન એ જ રીતે કરી રહી છે જે રીતે પાકિસ્તાની સેના અને સરકારે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન કર્યું હતું.