Bhavnagar,તા.29
સમગ્ર એશિયામાં ગૌરવ સમાન ગીરના સિંહો હવે ફકત ગીરના અભ્યારણ પુરતા જ મર્યાદીત રહ્યા નથી પણ લગભગ પુરા સૌરાષ્ટ્રમાં નવા સ્થાનો પર તેમના રહેણાંક બનાવી રહ્યા છે. તેમાં સૌરાષ્ટ્રનો દરિયા કિનારો સિંહોને બહું માફક આવી ગયો હોય તેવું જણાય છે અને હવે દરિયા કિનારા આસપાસ વસતા હોય તેવા સિંહોની સંખ્યા જે 2015માં ફકત 10ની હતી તે હવે વધીને 134ની થઈ છે.
જો કે છેક 1995થી આ ફેરફાર શરૂ થયો હતો. 2020ની સિંહોની વસતિ ગણતરીમાં 100 સિંહો સમુદ્ર કિનારા આસપાસ નોંધાયા હતા તે 2025માં તે 134 થયા છે તે 34%નો વધારો જુએ છે.
સિંહોને તેમના અસ્તિત્વ માટે વિશાળ જગ્યાની જરૂર પડે છે અને ગીર અભ્યારણ હવે ટુંકુ પડે છે અને સાંક્ડા ક્ષેત્રમાં પુરતા ભોજનની ઉપલબ્ધી રહેતી નથી. સિંહોના જૂથ હોય છે. તેઓને ખાસ કરીને સિંહણો મોટા ઈલાકા પસંદ કરે છે અને સૌરાષ્ટ્રની 300 કી.મી.ની દરિયાઈ પટ્ટી તેઓને માફક આવી ગઈ છે.
આ અંગે સિંહ નિષ્ણાંત તરીકે નામના મેળવનાર અને નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફના શ્રી એચ.એસ.સિંઘ કહે છે કે દરિયાઈ ક્ષેત્રમાં જે ગાંડા બાવળની ઝાડી છે તે તેમના માટે સારૂ રહેણાંક બની શકે છે. નિલગાય અને જંગલી સુઅર તેના માટે ભોજનની આવશ્યકતા બની જાય છે.
દક્ષિણ પશ્ચીમ સમુદ્રી કિનારા આસપાસ 25 અને 94 દક્ષિણ પુર્વ ક્ષેત્રમાં અને 15 ભાવનગરના દરિયાઈ ક્ષેત્રમાં રહે છે. તેઓએ નવો સરેરાશ 171.8 સ્કવેર કી.મી.નો વિસ્તાર પસંદ કર્યો છે. આ અંગે હાલમાંજ એક નવું શોધ-અભ્યાસ પેપર પણ જારી કરાયુ હતું.

