Jam Khambhaliya, તા.29
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં આજે સવાર સુધીમાં કલ્યાણપુરમાં સૂપડાધારે ચાર ઈંચ અને ખંભાળિયામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે. આ વરસાદના પગલે જુદા જુદા વિસ્તારોમાં થયેલા ગરબાના આયોજનો મુલતવી રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલા ગરમીભર્યા માહોલ વચ્ચે ગઈકાલે રવિવારે સાંજથી વરસાદી વાતાવરણ છવાયું હતું.
આ વચ્ચે ગતરાત્રીના આશરે અગિયાર વાગ્યાથી જુદા જુદા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખંભાળિયા તાલુકામાં પણ રાત્રિના શરૂ થયેલા વરસાદે ગાજવીજ અને પવન સાથે વેગ પકડ્યો હતો અને ચડતા પહોર સુધીમાં સાડા ત્રણ ઈંચ (89 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે. ભારે વરસાદના પગલે રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને નગરજનો સફાળા જાગી ગયા હતા.
આ જ રીતે કલ્યાણપુર તાલુકામાં પણ ગતરાત્રિના ધોધમાર સાડા ત્રણ ઈંચ તેમજ આજે પણ વહેલી સવારે અડધો ઈંચ મળીને કુલ ચાર ઈંચ (101 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે.
જ્યારે ભાણવડ તાલુકામાં પણ ગતરાત્રિના ભારે ઝાપટા રૂપે સવા બે ઈંચ (58 મી.મી.) પાણી પડી ગયું હતું. ઉપરાંત દ્વારકા તાલુકામાં પણ નોંધપાત્ર સવા ઈંચ (33 મી.મી.) વરસાદ નોંધાયો છે.
વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને જાહેર માર્ગો પર નદી જેવા પાણી વહ્યા હતા. જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી. આજે સવારથી વાદળોની આવન-જાવન વચ્ચે વરસાદી બ્રેક રહ્યો હતો. આ વરસાદના કારણે કેટલાક સ્થળોએ ખેતરોમાં પાકને ફાયદો થવાનું ચિત્ર પણ જોવા મળે છે. આ ધોધમાર વરસાદના પગલે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી.
આજે સવારે 8 વાગ્યા સુધીમાં જિલ્લામાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 48 ઈંચ (1192 મી.મી.), દ્વારકા તાલુકામાં 34 શક્ષ (851 મી.મી.) ભાણવડ તાલુકામાં 32 ઈંચ (805 મી.મી.) અને ખંભાળિયા તાલુકામાં સાડા 25 ઈંચ (637 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 35 ઈંચ (871 મી.મી.) થવા પામ્યો છે.
ગરબાના આયોજનો બંધ રહ્યા
ગતરાત્રિના શરૂ થયેલા આ વરસાદના કારણે ખંભાળિયા સહિતના મોટાભાગના વિસ્તારોમાં પરંપરાગત ગરબી તેમજ અર્વાચીન રાસ-ગરબા સહિતના આયોજકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને મહદ અંશે ગરબી સહિતના તમામ આયોજનો બંધ રાખવામાં આવ્યા હતા. જેના પગલે ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી હતી.
અનેક સ્થળોએ ચાલુ વરસાદે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
ગતરાત્રિના આ વરસાદ વચ્ચે પણ અનેક સ્થળોએ ચાલુ વરસાદે ખેલૈયાઓ ગરબા રમ્યા હતા. જેમાં અહીંના રામનગર વિસ્તાર, શિવપ્રસાદ સોસાયટી તેમજ અન્ય વિસ્તારોમાં પણ પરંપરાગત રાસ ગરબામાં યુવા હૈયાઓ રમ્યા હતા અને વરસાદના વિઘ્નની અસર આ ખેલૈયાઓ પર જોવા મળી ન હતી.