Mumbai તા.30
એશીયા કપમાં ફાઈનલ સહિત ત્રણ મેચોમાં પાકિસ્તાનને ધૂળ ચટાળનાર ભારતમાં જશ્નનો માહોલ સર્જાયો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચે સળંગ ત્રણ રવિવારે મેચ થયા હતા. ત્રણેયમાં ભારત જીત્યુ હતું. હવે ચોથા રવિવારે પણ બન્ને દેશો ટકરાનાર છે. જોકે આ વખતે પુરૂષને બદલે મહિલા ક્રિકેટરો છે.
એશીયાકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌ પ્રથમ 14 સપ્ટેમ્બર ત્યારબાદ 21 સપ્ટેમ્બર અને છેવટે ફાઈનલમાં 28 સપ્ટેમ્બરે ટકકર થઈ હતી. હેન્ડશેકથી માંડીને ટ્રોફીના વિવાદ થયા હતા. યોગાનુયોગ આ ત્રણેય મુકાબલા રવિવારે જ યોજાયા હતા.
ત્રણેયમાં ભારતે જીત મેળવી હતી અને 9મી વખતે એશીયા ચેમ્પીયનનું બીરૂદ હાંસલ કર્યું હતું. હવે પુરૂષ પછી મહિલા ક્રિકેટરોનો વારો છે. આગામી 5 સપ્ટેમ્બરને રવિવારે આઈસીસી વિમેન્સ વર્લ્ડકપનાં ગ્રુપ સ્ટેજમાં બન્ને દેશોની ટીમો ટકરાશે આ મેચ કોલંબોમાં રમાવાનો છે.
આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં બન્ને ટીમો અત્યાર સુધીમાં 27 મેચો રમી છે. તેમાંથી 24 માં ભારતનો વિજય થયો છે. પાકિસ્તાન માત્ર ત્રણ મેચ જીતી શકયુ છે.જોકે આગામી રવિવારે વન-ડે મેચ છે.માત્ર વન-ડે મેચના રેકર્ડ પર નજર કરવામાં આવે તો બન્ને દેશો વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલા તમામ 11 મુકાબલા ભારતે જીત્યા છે. છેલ્લે 2021 ના વિમેન્સ વર્લ્ડકપમાં ટકકર થઈ હતી. જેમાં ભારતે 102 રને પાકને હરાવ્યુ હતું.
પાકિસ્તાને ટી-20 ફોર્મેટમાં ભારત સામે ત્રણ વિજય મેળવ્યા છે. તેની છેલ્લી જીત 2012 ના રોજ ટી-20 વર્લ્ડકપના મેચમા હતી અને માત્ર એક રને ભારતને હરાવ્યુ હતું. ટી-20 ફોર્મેટમાં કૂલ 16 માંથી 10 મેચ ભારત જીત્યુ છે.
આઈસીસી વિમેન્સ વર્લ્ડકપની યજમાની ભારત અને શ્રીલંકાને સંયુકત રીતે મળી છે.ભારત-પાકને મેચ કરાર મુજબ શ્રીલંકામાં રમવાનું નકકી થયુ છે. બન્ને દેશો ટીમ એકબીજાનાં દેશમાં નહીં રમે તેવુ નકકી થયુ છે.
ભારતે છેલ્લે 2013 માં ટુર્નામેન્ટ યોજી હતી. આ વખતે ખાસ નોંધ પણ લેવાઈ ન હતી. જોકે 12 વર્ષમાં ઘણુ બદલાઈ ગયુ છે. આ વખતે `ફીવર’ સર્જાશે કારણ કે મેન્સ ટીમે એશીયા ચેમ્પીયનશીપનુ બિરૂદ મેળવ્યુ છે. પાકિસ્તાનને ત્રણ વખત પછાડયુ છે. વિવાદને પગલે દેશપ્રેમ ઝળકયો છે.એશીયાકપમાં પાકિસ્તાનને સળંગ ત્રણ હાર આપનાર ભારતે તેને ઓકાત દેખાડી દીધી હતી. ભારતીય ખેલાડીઓએ પાક ખેલાડીઓ સાથે હાથ ન મિલાવતા પ્રથમ મેચમાં જ વિવાદ થયો હતો. ફાઈનલ મેચમાં ટ્રોફી વિવાદ પણ થયો હતો હવે આગામી રવિવારે મહિલા વિવાદ પણ થયો હતો.
હવે આગામી રવિવારે મહિલા ક્રિકેટરોએ મુકાબલો છે.મહિલા ક્રિકેટરો એકબીજા સાથે હાથ મીલાવશે કે કેમ તે વિશે હજુ સસ્પેન્સ છે.ક્રિકેટ બોર્ડે હજુ ખેલાડીઓને સુચના જાહેર કરી નથી જોકે,સુત્રોએ કહ્યું કે પુરૂષોની જેમ મહિલા ક્રિકેટરો પણ હેન્ડશેક કરે તેવી સંભાવના નથી.
પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદુર વચ્ચે બન્ને દેશો વચ્ચે યુધ્ધનો માહોલ છે. ભારતે પાકમાં રમવા ટીમ નહિં મોકલવાનો નિર્ણય કર્યો એટલે જ એશીયાકપ તટસ્થ સ્થળે રમાયો હતો. ભારત-પાક વિમેન્સ ક્રિકેટનો મુકાબલો પણ ત્રીજા દેશ શ્રીલંકામાં યોજાવાનો છે.એશીયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદને પગલે મહિલા ટીમ મુકાબલા વિશે ભારતીય ટીમની કપ્તાન હરમનપ્રિત કૌરે કહ્યુ કે ટીમ માત્ર ક્રિકેટ રમવા પર જ ફોકસ કરશે. મેદાનની અંદર કે બહાર અન્ય કાંઈ નહિં હોય.
આજથી ટુર્નામેન્ટના પ્રારંભ પુર્વે જ ટીમોનાં કપ્તાન ફોટોસેશનમાં હાજર હતા તેમાંથી ચાર બેંગ્લોરમાં અને ચાર કોલંબોમાં હતા. આ તકે હરમનપ્રિતને પાક સામેના મુકાબલાને કેવી રીતે લેશો? તેવો સવાલ કરાયો હતો ત્યારે તેમણે બેધડક રીતે કહ્યું કે અમારા માટે મેચ જીતવાનું જ મહત્વનું છે. અમારૂ ફોકસ રમત પર જ હશે.