Rajkot, તા.1
સૌરાષ્ટ્રમાં ગઇકાલે આઠમા નોરતે પણ રીમઝીમ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી હતી, ગત રાત્રે રાજકોટ, જામનગર સહિત અનેક સ્થળોએ રીમઝમ વરસાદ વરસતા અર્વાચીન રાસોત્સવોમાં વિક્ષેપ સર્જાયો હતો. તો નાની બાળાઓની અમુક પ્રાચીન ગરબીઓ ઝરમર વચ્ચે ચાલુ રહી હતી. જયારે આજે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ ઉઘાડ નીકળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યેલો જાહેર કર્યા પછી સતત ત્રીજા દિવસે પણ વરસાદી વાતાવરણ રહ્યું હતું અને ગઈ મોડી રાતે પણ ઝરમર ઝરમર વરસાદ શરૂ રહેતા નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો.
જોકે આ જેવા ધીમા વરસાદની વચ્ચે પણ અનેક નાની મોટી ગરબીઓમાં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી.આજે પણ શહેરમાં સૂર્યનારાયણ એ દર્શન દીધા ન હતા.
જિલ્લા કલેકટર કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે 6 વાગ્યા સુધીમાં જિલ્લાની અંદર વરસાદના આંકડા જોઈએ તો જોડિયામાં ચાર મિમી વરસાદ સાથે મોસમનો ફુલ વરસાદ 958 મિમી,કાલાવડમાં છ મિમી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 688 મીમી નોંધાયો છે.
લાલપુરમાં એક મીમી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 583 મિમી તો જામજોધપુરમાં નવ મિમી વરસાદ સાથે 788 મીમી વરસાદ નોંધાયો છે. આમ જામનગર જિલ્લાની અંદર મોસમનો સરેરાશ વરસાદ 692 મીમી નોંધાયો છે.
આજે સવારે જામનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું થઈ જવાથી રસ્તાઓ ભીના થયા હતા અને ઠડા પવન થી વાતાવરણમાં ઠડક પ્રસરી હતી.