China,તા.01
હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ ખુલવાથી ચીનમાં મુસાફરી કરવા માટે જે મુસાફરી બે કલાક લેતી હતી તે હવે માત્ર બે મિનિટ થઈ ગઈ છે. ચીને ગુઇઝોઉમાં વિશ્વનાં સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન કર્યું છે. જમીનથી 625 મીટર ઊંચો આ પુલ ત્રણ વર્ષમાં પૂર્ણ થયો છે. તેની લંબાઈ 1,420 મીટર છે અને તેમાં અદ્યતન એન્જિનિયરિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
♦ પ્રાદેશિક જોડાણ માટે અતિ મહત્ત્વપૂર્ણ :-
મેગી નૂડલ્સને રાંધવામાં પણ બે મિનિટનો સમય લાગે છે. તેવી જ રીતે, ચીનનાં નવા બનેલાં પુલને પાર કરવામાં લગભગ એટલો જ સમય લાગશે, જે અગાઉ બે કલાકમાં થતી હતી. ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ, મિયાઓ સ્વાયત્ત પ્રાંતના કિયાનક્સિનાન બુઇ અને ગુઇઝોઉના અનશુન શહેરની સરહદ પર સ્થિત હુઆજિંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજથી બંને છેડા વચ્ચેનો મુસાફરીનો સમય બે કલાકથી ઘટાડીને બે મિનિટ કરવામાં આવ્યો છે. આનાથી પ્રાદેશિક જોડાણમાં સુધારો થશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.
♦ વિશ્વનાં સૌથી ઊંચા પુલનો રેકોર્ડ :-
હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ એ 190 કિલોમીટર લાંબા શાંતિઆન-પુક્સી એક્સપ્રેસ વેનો એક ભાગ છે, જે દક્ષિણપશ્ર્ચિમ ચીનમાં પ્રાદેશિક જોડાણને વેગ આપવા માટે રચાયેલ છે.
ચીનના દક્ષિણી પર્વતીય પ્રાંત ગુઇઝોઉમાં નદી અને ઊંડી ખીણથી 625 મીટર ઉપર બનેલાં આ પુલને વિશ્વનાં સૌથી ઊંચા પુલનો ખિતાબ મળ્યો છે. તેણે નજીકનાં બેઇપાનજિયાંગ બ્રિજને પાછળ છોડી દીધો છે, જે 565 મીટર ઊંચો છે અને હવે બીજા સ્થાને છે.
♦ કોઇપણ પર્વતીય વિસ્તારનો સૌથી મોટો પુલ :-
અહેવાલો અનુસાર, ફોર લેન બ્રિજથી હવે વિશ્વનો સૌથી ઊંચો પુલ અને ડુંગરાળ વિસ્તારમાં સૌથી લાંબો પુલનો રેકોર્ડ બનાવ્યો છે, જેની કુલ લંબાઈ 2,890 મીટર છે. વિશ્વનાં 100 સૌથી ઊંચા પુલમાંથી લગભગ 50 પુલ આ પ્રાંતમાં આવેલાં છે, એમ સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
♦એફિલ ટાવર કરતાં ભારે માળખું :-
શિન્હુઆના રિપોર્ટ અનુસાર, હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજના નિર્માણમાં ત્રણ વર્ષથી વધુ સમય લાગ્યો હતો. 1,420 મીટર લાંબા મુખ્ય પુલ સાથે, તે કોઈપણ પર્વતીય વિસ્તારમાં બનેલાં અત્યાર સુધીનો સૌથી લાંબો પુલ હોવાનું કહેવાય છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, મુખ્ય પુલ 93 સ્ટીલ ટ્રસ વિભાગોથી બનેલો છે, જેનું વજન લગભગ 22,000 ટન છે, જે એફિલ ટાવર કરતાં ત્રણ ગણું વજન છે. હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ પ્રોજેક્ટને પણ 21 પેટન્ટ મળી છે.
સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડેઇલીના જણાવ્યાં અનુસાર, તાજેતરના તકનીકી વિકાસને કારણે મોટા પુલોના નિર્માણ માટેની સમયરેખા ઘટાડી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવા બ્રિજમાં ડોપ્લર લિડાર ડિટેક્શન, બેઇડો ડાયનેમિક પોઝિશનિંગ, ડિજિટલ એસેમ્બલી અને ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જેવાં અદ્યતન ઉપકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.