New Delhi,તા.01
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ નિમિતે આજે દિલ્હીમાં શતાબ્દી સમારોહને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તરફ સતાબ્દી વર્ષની સ્મૃતિમાં ખાસ ટપાલ ટિકીટ તથા સિકકાનું વિમોચન કર્યુ હતું તો બીજી તરફ સંઘના સ્વયંસેવકો તેમજ મહાનુભાવોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સંઘના સ્વયંસેવકોએ કદી કટુતા બતાવી નથી. પ્રતિબંધ લાગે કે કોઈ ષડયંત્ર યોજાય. પરંતુ સંઘનો મંત્ર રહ્યો છે કે જે સારુ કામ થયું છે તે પણ અમારું છે અને જે ઓછું થયું છે તે પણ અમારું છે. શ્રી મોદીએ કહ્યું કે સ્વતંત્રતા બાદ સંઘ સામે અનેક ષડયંત્રો થયા હતા પરંતુ સંઘનું લક્ષ્યાંક એક ભારત શ્રેષ્ઠ ભારત જ રહ્યું છે.
રાષ્ટ્ર સાધનાની આ યાત્રામાં સંઘ ઉપર અનેક હુમલા થયા. પુ.ગુરુજીને પણ જેલમાં મોકલવામા આવ્યા અને તેઓ જયારે બહાર આવ્યા ત્યારે કહ્યું કે કયારેક જીપ દાંત નીચે આવી જાય છે અને કચડાઈ છે પરંતુ આપણે દાંત તોડતા નથી. કારણ કે દાંત અને જીભ બંને આપણા છે.
શ્રી મોદીએ એ પણ ઉમેર્યુ કે સંઘ એક નદી જેવી છે અને જે રસ્તે તે વહેતી ગઈ ત્યાં વધુને વધુ રાષ્ટ્રભાવના સર્જતી ગઈ છે. સંઘ લગાતાર કામ કરે છે. પરંતુ કદી વિરોધાભાસ દર્શાવ્યો નથી. શ્રી મોદીએ સંઘને અન્યાય પર ન્યાય, અંધકાર પર પ્રકાશની જીત ગણાવી હતી અને કહ્યું કે 100 વર્ષ પહેલા સંઘની સ્થાપના એ કોઈ જોગાનુજોગ ન હતું પરંતુ હજારો વર્ષની આપણી પરંપરાનું ઉત્થાન હતું અને રાષ્ટ્રીય ચેતનાનો સમય હતો.

