આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે નંબરપ્લેટ કાઢી નાખતા અને બાદમાં મોજશોખ માટે ફેરવતા
Gandhinagar, તા.૨૮
શહેરના પોશ વિસ્તારોમાં થયેલી ૮ વાહનચોરીનો ભેદ ઉકેલાયો છે. બોડકદેવ પોલીસે એનઆરઆઇ દંપતીના બે પુત્રો સહિત ત્રણ યુવકોની ધરપકડ કરી તેમની પાસેથી તમામ ૮ ચોરીના વાહનો કબજે કર્યા છે. આરોપીઓ વાહન ચોરી કરીને પોલીસ પકડથી બચવા માટે નંબરપ્લેટ કાઢી નાખતા અને બાદમાં મોજશોખ માટે ફેરવતા હોવાની વિગતો તપાસમાં ખુલવા પામી છે. શહેરના એસજી હાઇવે નજીક આવેલા બ્રિજ નીચે પાર્ક થયેલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે.
બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ ખાંભલા અને પીએસઆઇ આર.બી. ઝાલાની ટીમે સીસીટીવીના આધારે ત્રણ યુવકોની ધરપકડ કરી છે. પોલીસે પાર્થ ઉર્ફે રાવણ નિલેશકુમાર પટેલ અને વામન નિલેશકુમાર પટેલ (બંને રહે. બાવળા) તથા પાર્થ ઉર્ફે પી.એ. પરમાર (રહે. કલોલ)ની ધરપકડ કરીને ચોરીના ૮ બાઇક કબજે કર્યા છે. આરોપીઓએ બોડકદેવ, ગાંધીનગર, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, ચાંગોદર અને સોલામાંથી ૮ વાહનો ચોરી કર્યા હોવાની વિગતો ખુલવા પામી છે. આરોપીઓ પાર્ક થયેલા વાહનોના સ્ટિયરિંગ લોક ખુલ્લા હોય તે જ ચોરી કરતા અને બાદમાં પોલીસથી બચવા તેની નંબરપ્લેટ કાઢીને દિવસ રાત ફેરવીને મોજશોખ પૂરા કરતા હતા. આરોપી વંશે ધો.૧૦ જ્યારે તેના સગા ભાઇ વામને બીબીએનો અભ્યાસ કર્યો છે.
જ્યારે પાર્થ પરમારે પણ ધો.૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. આ ત્રણેય લોકો પીજીમાં રહેતા હતા ત્યારે એકબીજા સાથે મિત્રતા થઇ હતી અને બાદમાં ત્રણેય લોકો ચોરીના રવાડે ચડ્યા હતા. બે સગા ભાઇના માતા-પિતા તો અમેરિકામાં રહેતા હોવાની વિગતો પણ સામે આવી છે. ત્રણેય આરોપીઓએ આ ૮ વાહનો છથી સાત માસમાં ચોરી કર્યા હતા, ત્યારે અન્ય કોઇ વાહનો ચોરી કર્યા છે કે કેમ તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

