વીરપુરમાં અઢી વર્ષના માસૂમને કારે કચડ્યો, રીબડા નજીક આધેડનું ક્રુઝરની અડફેટે મોત
Rajkot તા.૨૮ઃ
રાજકોટ જિલ્લામાં બે માર્ગ અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે જેમાં રીબડા નજીક અતુલ ઓટો પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રુઝરની અડફેટે અને વિરપુરમા કારના ચાલકે અઢી વર્ષના માસુમને કચડી નાખ્યો છે.વધુ વિગત મુજબ વીરપુર ગામે રહેતા ૨૪ વર્ષીય યુવાન મેહુલભાઇ ભુરાભાઈ રાઠવાએ આરોપી તરીકે જીજે-૦૧-એચએસ-૬૫૬૬ ના ચાલક દિપેશભાઈ (રહે.ઉપલેટા)નું નામ આપી જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે દીકરીઓ તથા એક દીકરો હતો. જેમા સૌથી મોટી દીકરી રોશનીબેન (ઉ.વ.૬), નાનો દીકરો મીહીત (ઉ.વ.૨.૫) અને સૌથી નાની દીકરી પુનમ ચાર માસની છે.
ગત તા.૨૬/૦૯/૨૦૨૬ ના સાંજે પાંચ વાગ્યે હું તથા મારી પત્ની પુષ્પાબેન અને ત્રણેય સંતાનો સાથે વીરપુર મુકામે મીનળવાવ ચોકમાં અંકીત ગેસ્ટ હાઉસ સામે બેઠા હતા. આશરે સાડા પાંચ વાગ્યે હું જાજરૂ કરવા ગયેલ અને મારા બાળક પત્ની પુષ્પાબેન પાસે રમતા હતા. હું પરત આવતા મારી પત્ની પાસે લોકોનું ટોળું ઉભું હતું. જેથી હું ત્યાં પહોંચતા મારો દીકરો મિહિત નીચે પડેલ હતો અને બાજુમાં એક ફોર વ્હીલ ઉભેલ હતી. જેથી મે મારી પત્નીને પુછતા તેણે મને જણાવેલ કે,પુત્ર મીહીત અહી અંકીત ગેસ્ટ હાઉસ સામે રમતો હતો ત્યારે ફોરવ્હીલ ચાલકે આગળથી મીહીતની ઉપર ચડાવી દીધેલ છે અને મીહીત ફોર વ્હીલના ટાયરમાં આવી ગયેલ છે. મીહીત કાંઇ બોલતો ન હતો અને આ વખતે ત્યા ટોયોટા કંપનીની ફોરવ્હીલ કાર રજી.નં.જીજે-૦૧-એચએસ-૬૫૬૬ પડેલ હતી અને કારનો ચાલક પણ ત્યા હાજર હતો.
કાર ચાલકનુ નામ પુછતા તેણે પોતાનુ નામ દીપેશભાઇ (રહે.ઉપલેટા) જણાવેલ હતુ. બાદ તાત્કાલિક બાળકને પ્રથમ વિરપુર સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી ગોંડલની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો પણ જીવ બચ્યો ન હતો. જેથી એકના એક પુત્રના મોતથી પરિવારનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો હતો. ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા શૈલેષપરી જગદીશપરી અતીત (ઉ.વ.૪૬)ગઈકાલે સાંજે સાત વાગ્યે ગોંડલ રોડ પર રીબડા ગામ નજીક અતુલ ઓટો પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે તુફાન ક્રુઝરના ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર મળે તે પહેલા તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક પોતે કલરકામ કરતા હતા. તેઓ ત્રણ ભાઈમાં વચ્ચેટ હતા. આધેડના મોતથી એક પુત્રીએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્ય સર્જાયા હતા.

