આ ફિલ્મમાં ક્યારેય ન જોવા મળી હોય એવી દુનિયા જોવા મળશે. આ એક માનવજાત વિશેની ફિલ્મ છે
Mumbai, તા.૨
છેલ્લાં થોડા સમયથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે રણવીર સિંહ જય મહેતા સાથે કોઈ ફિલ્મની ચર્ચા કરી રહ્યો છે. તેમની આ ઝોમ્બી ફિલ્મ ૨૦૨૬ની શરૂઆતમાં શરૂ થાય એવી શક્યતા છે. લાંબા સમયથી આ ફિલ્મનાં પ્રિ પ્રોડક્શનનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું હતું. ત્યારે હવે એવા અહેવાલો છે કે તેમણે આ ફિલ્મનું નામ નક્કી કરી લીધું છે. આ ઝોમ્બી ફિલ્મમાં વિશ્વનો વિનાશ થઈ ગયા પછીની વાર્તા દર્શાવાશે.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “રણવીર સિંહની આવનારી ફિલ્મનું નામ પ્રલય હોવાની શક્યતા છે. આ ફિલ્મમાં જે પ્રકારની દુનિયા દર્શાવાઈ છે, તે મુજબ તેને નામ અપાયું છે. જેમાં દુનિયા એક અકલ્પનીય વિનાશનો સામનો કરી ચુકી છે. આ ફિલ્મમાં ક્યારેય ન જોવા મળી હોય એવી દુનિયા જોવા મળશે. આ એક માનવજાત વિશેની ફિલ્મ છે, જેમાં મનુષ્ય કઈ હદ સુધી જઈ શકે છે, તે દર્શાવાશે. એક માણસ પોતાના પરિવારને બચાવવા માટે કઈ હદ સુધી જઈ શકે છે, કપરા પડકારોનો સામનો કરીને તેને કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે, એ જોવા મળશે.” રણવીર સિંહને ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ ગમી છે અને ફિલ્મના વિવિધ પાસા પર જય મહેતા અને ટીમ સાથે ચર્ચાઓ કરી રહ્યો છે. સુત્રએ આગળ જણાવ્યું, “રણવીર સિંહ ૨૦૨૬ના અંત સુધીમાં ડોન ૩નું શૂટિંગ પૂરું કરીને આ ફિલ્મ શરૂ કરશે. આ એક એવી ફિલ્મ છે, જેમાં પ્રી પ્રોડક્શનમાં ઘણી મહેનત કરવી પડે છે. તેમને એક સંપુર્ણ નવી દુનિયા રચવાની હોવાથી તેમને શૂટિંગ પહેલાં વધારે મહેનત કરવી પડશે. વર્લ્ડ વોર અને આઇ એમ એ લિજેન્ડ, પ્રકારની દુનિયા આ ફિલ્મમાં જોવા મળશે, જેમાં હિરો અને તેના પરિવારે અનેક મુસીબતોનો સામનો કરવાનો છે.”એવા પણ અહેવાલો છે કે મેકર્સ એ લિસ્ટની એક્ટ્રેસને આ ફિલ્મમાં લેવા માગે છે. હાલ રણવીર ધુરંધરની રિલીઝની રાહ જોઈ રહ્યો છે, પછી તે ડોન ૩નું કામ શરૂ કરશે. ત્યાર બાદ તે આ ફિલ્મ શરૂ કરશે એવી ચર્ચા છે.