Gandhinagar,તા.૨
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલે તા. ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે તા. ૩ ઓકટોબરના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે આ રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ અને જમીન સંસાધન મંત્રાલય અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી, કેન્દ્ર સરકારના જમીન સંસાધન વિભાગના સચિવ મનોજ જોષી સહિત દેશભરના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ સહભાગી બનીને વિચાર વિમર્શ કરશે.
‘હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી’ના મંત્ર સાથે આ બે દિવસીય સંમેલનમાં ભૂમિ રેકોર્ડ નું આધુનિકીકરણ,નવી ટેક્નોલોજીનો ઉપયોગ અને નાગરિકોને બહેતર સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તજજ્ઞો દ્વારા અધિકારી-કર્મચારીઓને વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત નવી રેવન્યુ ઓફિસો-રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યુ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સેલન્સ-ર્ઝ્રઈજ માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર તેમજ વિચરતી જાતિઓના પરિવારોને કાર્ડ, સુરક્ષા કિટ અને રહેણાંક પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવશે.
આ કોન્ફરન્સમાં નાગરિક કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ, જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીઓનું અપગ્રેડેશન, શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટિંગ, મહેસૂલ કોર્ટ કેસો – પ્રક્રિયા પુનઃએન્જિનિયરિંગ, પુનર્સર્વેક્ષણ પ્રયાસો અને જમીન સંપાદન, આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી, આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધન આયોજન જેવા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા પેનલ ડિસ્કશન કરવામાં આવશે.