નવી દિલ્હી તા.3
નવરાત્રી-દશેરાનાં તહેવારોએ દેશની બજારોમાં નવા પ્રાણ પુર્યા છે અને છેલ્લા એક દાયકાનું સૌથી મોટુ વેચાણ નોંધાયુ છે. સરકારે જીએસટીમાં કાપ જાહેર કર્યો હતો અને નવરાત્રીથી જ તેનો અમલ શરૂ કરતા લોકોનું માનસ પલટાયું હતુ અને જુદા જુદા ક્ષેત્રોમાં જંગી ખરીદી કરી હતી.
તહેવારોની સિઝન તથા જીએસટી કાપથી ચીજો સસ્તી થતાં વિવિધ બ્રાંન્ડના વેચાણમાં 25 થી 100 ટકાનો અભુતપુર્વ વધારો નોંધાયો હતો. ઓટોમોબાઈલ્સ ક્ષેત્રની ટોચની કંપની મારૂતી સુઝુકીએ જાહેર કર્યું હતું કે કંપનીનું નવરાત્રી વેચાણ ગત વર્ષની સરખામણીએ ડબલ થયુ છે.
એટલુ જ નહિં છેલ્લા એક દાયકાનું સૌથી શ્રેષ્ઠ વેચાણ થયુ છે. નવરાત્રી દરમ્યાન 700530 ઈન્કવાયરી અને 15000 બુકીંગ નોંધાયા હતા. અંતિમ આંકડા હજુ વૃદ્ધિ સુચવશે ગત વર્ષની નવરાત્રીમાં આ વેચાણ 85000 વાહનોનું હતું. મહિન્દ્ર કંપનીનાં વાહનોનાં વેચાણમાં 60 ટકા, હ્યુંડાઈના વેચાણમાં 72 ટકાનો વધારો હતો.
ક્નઝયુમર ઈલેકટ્રોનિકસ ક્ષેત્રમાં એલજી, હાયર, ગોદરેજ જેવી, કંપનીઓનાં વેચાણમાં બે આંકડાનો વૃધ્ધિદર નોંધાયો હતો હાયરના વેચાણમાં 85 ટકાનુ જબરજસ્ત વૃધ્ધિ હતી. 85 તથા 100 ઈંચના ટેલીવીઝનનો દિવાળીનો સ્ટોક નવરાત્રીમાં જ વેચાઈ ગયો હતો.65 ઈંચનાં દરરોજ 300-350 ટીવી વેચાયા હતા. જીએસટીમાં ઘટાડો તથા તેના કારણે બદલાયેલા માનસથી ખરીદી વધી હોવાનું કંપનીનાં પ્રેસીડેન્ટ સતિષ એનએસે કહ્યું હતુ.
ભારતના સૌથી મોટા રીટેલર રીલાયન્સ રિટેલનાં વેચાણમાં 20 થી 25 ટકાનો વધારો હતો. તેમાં મોટા ટીવી, સ્માર્ટફોન તથા ફેશન પ્રોડકટનો સિંહફાળો હતો.વિજય સેલ્સનાં વેચાણમાં 20 ટકાની વૃધ્ધિ હતી.
નવરાત્રીથી દિવાળીની તહેવારી સિઝનમાં જ ભારતમાં આખા વર્ષનું 40-45 વર્ષનું વેચાણ થયુ હોવાનું ઉલ્લેખનીય છે. માર્કેટનાં જાણકારોના કહેવા પ્રમાણે નવરાત્રીમાં માર્કેટ સુપરડુપર બનતા હવે દિવાળીના આગામી તહેવારોમાં પણ જોરદાર ખરીદી રહેવાનો આશાવાદ ઉભો થયો છે. ચાલુ મહિનાનાં ત્રીજા સપ્તાહમાં ધનતેરસ દિવાળી-નવા વર્ષનાં તહેવાર આવતા હોવાનું ઉલ્લેખનીય છે.
નવરાત્રી-દશેરામાં ટીવી, એસી, ડીશવોશ, રેફ્રીજરેટર વોશીંગ મશીન, માઈક્રોવેવ ઓવન જેવી પ્રોડકટનાં વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે.જે દિવાળીનાં દિવસોમાં પણ ચાલૂ રહેવાની સંભાવના છે.