કુલપતિ પ્રોફે. ડૉ. ઉત્ત્પલ જોશી, મેયર ડૉ. નેહલ શુક્લ અને પૂર્વ ઉપકુલપતિ ડૉ. કલ્પક ત્રિવેદીની ઉપસ્થિતિ
Rajkot તા.૨૯ઃ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ૩૮મી વાર્ષિક સાધારણ સભા અને તાજેતરમાં વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા વિદ્વાન પ્રાધ્યાપકોનો સન્માન સમારોહ તા. ૨૪/૦૯/૨૦૨૬, ગુરુવારના રોજ સાંજે ૪.૩૦ વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટ ગેલેરી સેમિનાર હોલ ખાતે અત્યંત ઉત્સાહ અને હર્ષોલ્લાસના વાતાવરણમાં યોજાઈ ગયો.
આ ભવ્ય સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યશસ્વી કુલપતિ પ્રોફે. ડૉ. ઉત્ત્પલ જોશી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજકોટના લોકપ્રિય મેયર ડૉ. નેહલ શુક્લ મુખ્ય મહેમાન તરીકે અને જાણીતા શિક્ષણવિદ્? તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડૉ. કલ્પક ત્રિવેદીએ અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
શૈક્ષણિક ક્ષેત્રે દીર્ઘકાલીન અને ઉત્કૃષ્ટ સેવાઓ આપીને વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા નીચે મુજબના પાંચ વરિષ્ઠ અધ્યાપકોનું મંડળી દ્વારા શાલ ઓઢાડી અને સ્મૃતિભેટ આપી ગરિમાપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું
૧. પ્રોફે. ડૉ. દક્ષાબા પ્રતાપસિંહ ચૌહાણ (પૂર્વ અધ્યક્ષ, કોમર્સ ભવન),૨. પ્રોફે. ડૉ. નીલામ્બરીબેન દવે (પૂર્વ અધ્યક્ષ, હોમ સાયન્સ ભવન),૩. પ્રોફે. ડૉ. રાહુલ કુંડુ (પૂર્વ અધ્યક્ષ, બાયો સાયન્સ ભવન),૪. પ્રોફે. ડૉ. એચ. ડી. જોશી (પૂર્વ અધ્યક્ષ, હોમ સાયન્સ ભવન),૫. પ્રોફે. ડૉ. જયંત ભાલોડિયા (પૂર્વ પ્રોફેસર, ભૌતિકશાસ્ત્ર ભવન તથા મંડળીના ઉપપ્રમુખ).
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા કુલપતિ પ્રોફે. ડૉ. ઉત્ત્પલ જોશીએ મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ’આ સહકારી મંડળી ભવિષ્યમાં પણ દરેક અધ્યાપકને આર્થિક રીતે ઉપયોગી સાબિત થવાની સાથે-સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે યુનિવર્સિટીના વિકાસમાં પણ સહયોગી બનતી રહે.’
રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર ડૉ. નેહલ શુક્લએ મંડળીના તમામ સભ્યો અને હોદ્દેદારોને ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં મેયરશ્રીએ નિવૃત્ત થયેલા તમામ નિષ્ઠાવાન અધ્યાપકોને સુખદ નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

