Ahmedabad,તા.03
લગભગ 18 માસના લાંબા સસ્પેન્સ બાદ આજે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ભુપેન્દ્ર પટેલ સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) નિશ્ચિત થયા છે અને તેઓએ આજે બપોરે 12.39 મિનિટે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં વિજય મુર્હુતમાં ઉમેદવારી નોંધાવી હતી.
શ્રી પંચાલ હાલ નિકોલના ધારાસભ્ય છે તથા તેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે તથા બે ટર્મથી ચુંટાતા આવ્યા છે. તેઓ હવે ગુજરાત ભાજપના 11માં પ્રદેશ પ્રમુખ બનશે. આજે શ્રી પંચાલની સાથે ભાજપની રાષ્ટ્રીય પરિષદના 39 સભ્યો માટે પણ ઉમેદવારી થશે જે રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણીમાં પણ મતદાર હશે અને બપોરે 2 વાગ્યા સુધી ઉમેદવારી પુર્ણ થયા બાદ ચકાસણી વિ.ની ઔપચારીક પ્રક્રિયા થશે. કાલે સવારે 11 વાગ્યે કમલમમાં રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી શ્રી ભુપેન્દ્ર યાદવની હાજરીમાં શ્રી જગદીશ પંચાલને નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરાશે.
શ્રી પંચાલ પક્ષના પીઢ નેતા ગણાય છે. જો કે પ્રથમ વખત મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ અને અમદાવાદના હશે તે પણ સૂચક છે. શ્રી પંચાલ જેઓ જગદીશ વિશ્વકર્મા તરીકે પણ ઓળખાય છે. તેઓ સરળ વ્યક્તિત્વના ગણવામાં આવે છે તથા પક્ષના સંગઠનમાં પણ તેઓએ કામ કર્યુ છે. નવા પ્રદેશ પ્રમુખની વરણી સાથે જ હવે ગુજરાત ભાજપને નવી ટીમ પણ મળશે.
ખાસ કરીને આગામી સમયમાં દિવાળી બાદ તુર્તજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ બનવા લાગશે અને તેથી નવા પ્રદેશ પ્રમુખ માટે અત્યંત ઓછા સમયમાં પક્ષને નેતૃત્વ કરવાનો પડકાર હશે.
ખાસ કરીને જે રીતે સતાના બે કેન્દ્રો અમદાવાદમાં કેન્દ્રીત થયા છે તે સમયે હવે સરકાર સંગઠનમાં શું મહત્વ મળશે તેના પર સૌની નજર છે. શ્રી પાટીલના સમયગાળામાં વિધાનસભામાં 156 બેઠકો પર વિજય એ રેકોર્ડ બન્યા છે અને તેથી જગદીશ વિશ્વકર્મા માટે આ પદ મોટી જવાબદારી સાથે આવ્યુ છે.