Washington,તા.03
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ એક મોટી જાહેરાત કરી છે. એજન્સીનું કહેવું છે કે તે 2035 સુધીમાં ચંદ્ર પર એક આખું ગામ સ્થાપિત કરવા જઈ રહી છે. નાસાના એડમિનિસ્ટ્રેટર સીન ડફીએ જણાવ્યું હતું કે તે લશ્કરી ચોકી જેવી નાની ચોકી નહીં પરંતુ એક ટકાઉ ગામ હશે જ્યાં મનુષ્ય સતત રહી શકશે.
સિડનીમાં ઇન્ટરનેશનલ એરોનોટિકલ કોંગ્રેસમાં ડફીએ કહ્યું હતું કે નાસા આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં આર્ટેમિસ-2 મિશન લોન્ચ કરવા જઈ રહી છે. છેલ્લાં 50 વર્ષમાં આ પહેલીવાર હશે જ્યારે અવકાશયાત્રીઓ ચંદ્ર પર જશે.
જો કે ચંદ્ર પર કોઈ લેન્ડિંગ નહીં થાય, પરંતુ અવકાશયાત્રીઓ 10 દિવસની ફ્લાઇટમાં ચંદ્રથી 9,200 કિલોમીટર દૂર જશે અને પાછા ફરશે. વાસ્તવિક પરીક્ષણ 2027માં થશે, જ્યારે બે અવકાશયાત્રીઓ આર્ટેમિસ-3 મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. તેઓ લગભગ સાત દિવસ ત્યાં રહેશે અને જરૂરી ડેટા એકત્રિત કરશે.
ગામ પરમાણુ ઊર્જાથી પ્રકાશિત થશે
નાસાનો ઇરાદો છે કે આ બેઝ પરમાણુ શક્તિ પર ચલાવવામાં આવશે. આ માટે ચંદ્ર પર 15 ટનથી ઓછા વજનનો અને 100 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરતો પરમાણુ પ્લાન્ટ લગાવવામાં આવશે. આ પ્લાન્ટ ચંદ્રની લાંબી 14 દિવસની રાત દરમિયાન ઊર્જા પ્રદાન કરશે, જ્યારે સોલર પેનલ્સ કામ કરી શકશે નહીં.
ચંદ્રની માટી અને પાણીનો ઉપયોગ કરવામાં આવશે
નાસા બેઝ બનાવવા માટે ચંદ્રની માટી અને પાણીનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરનાં એક પ્રયોગમાં અવકાશયાત્રીઓએ સિમેન્ટ તૈયાર કરવાની ટેકનિક અજમાવી હતી.
જો સફળ થાય તો, 3ઉ પ્રિન્ટિંગ મશીનો ચંદ્રની માટીનો ઉપયોગ કરીને રહેવા યોગ્ય માળખાં બનાવી શકે છે. ડફીએ કહ્યું કે નાસાનું લક્ષ્ય માત્ર ચંદ્ર પર જવાનું નથી, પરંતુ ત્યાં કાયમ માટે રહેવાનું અને આખરે મંગળ પર મનુષ્યને લઈ જવાનું છે.