Ahmedabad,તા.03
ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે છેલ્લા 18 માસથી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે અને પક્ષના ઓબીસી નેતા તથા ભુપેન્દ્ર સરકારના સહકાર તથા પર્યાવરણ બાબતોના સ્વતંત્ર હવાલો ધરાવતા રાજયમંત્રી જગદીશ વિશ્વકર્માને નવા પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કરાયા છે.
પક્ષના બંધારણ મુજબની ચુંટણી પ્રક્રિયા આજે પ્રારંભ થઈ છે. શ્રી વિશ્વકર્માએ આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પક્ષના ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત થયેલા ઉદયભાઈ કાનગડને પોતાનું ઉમેદવારીપત્રક સોંપ્યું હતું અને બપોરે 2 વાગ્યા સુધી ઉમેદવારી નોંધાવવાની સમય મર્યાદામાં પ્રદેશ પ્રમુખ તરીકે અન્ય કોઈ દાવેદારી આવી નથી તેની તમામ ઔપચારીકતા પુરી કર્યા બાદ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના 11 પ્રદેશ પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાયેલા જાહેર થશે.
તેઓ આવતીકાલે કમલમ પાસેના મેદાનમાં એક મેગા શો તથા કેન્દ્રીય ચૂંટણી પ્રભારી તથા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સહિતના અગ્રણીઓની હાજરીમાં અને રાજયભરમાંથી પહોંચનારા ભાજપના પદાધિકારીઓ-મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો તથા કાર્યકર્તાઓની હાજરીમાં વિધિવત પ્રદેશ પ્રમુખ તરીકે હોદો સંભાળશે. લો-પ્રોફાઈલ વ્યક્તિત્વ ધરાવતા શ્રી જગદીશ વિશ્વકર્મા સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ત્રણ વખત અમદાવાદની નિકોલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાયા છે અને ભુપેન્દ્ર પટેલ વન સરકારની રાજયકક્ષાના મંત્રી છે.
તેઓ અગાઉ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂકયા છે તથા તેમના નેતૃત્વમાં જ અમદાવાદ મહાપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. શ્રી વિશ્વકર્માની વરણીથી હવે ભાજપના રાજયકક્ષાના સંગઠનની નવરચના પણ શરૂ થશે અને નવી ટીમ વિશ્વકર્માની રચના થશે. તેની સાથે રાજયના મંત્રીમંડળની પણ પુનઃરચના હવે થશે તેવા સંકેત મળે છે.
તો બીજી તરફ નવા પ્રદેશ પ્રમુખ માટે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પણ એમના માટે પડકાર હશે. ખાસ કરીને પાટીલના સમયમાં ભાજપે જે રીતે જીલ્લા પંચાયતોમાં તમામ 33 અને મહાપાલિકાઓમાં તમામ 6 માં અને ત્યારબાદની વધુ બે મહાપાલિકામાં કલીન સ્વીપ કરી હતી.
તેમાં હવે વધુ નવ નવી મહાપાલિકાની ચૂંટણીઓ પણ એક સાથે યોજાશે તેમાં અગાઉ જેવો દેખાવ જાળવી રાખવાનું કામ તેઓએ બનાવવું પડશે તથા સંગઠનને પણ દોડતું કરવું પડશે.
મોદી-ટુ સરકારમાં મંત્રી બનેલા સી.આર.પાટીલ છેલ્લા 18 માસથી આ જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના કાર્યકાળમાં ભાજપે સ્થાનિક ચુંટણીઓ ઉપરાંત વિધાનસભામાં પણ શાનદાર દેખાવ કર્યો હતો અને ભાજપનું સંગઠન વાઈબ્રન્ટ બની ગયું હતું તે પછી પ્રદેશ પ્રમુખની નિયુક્ત વિલંબમાં પડતા અનેક વિવાદો પણ સર્જાયા હતા જેનો પડકાર પણ જગદીશ વિશ્વકર્માએ ઉપાડવાનો રહેશે.
હું જવાબદારી સંભાળવા તૈયારઃ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ તે અંગે લાંબા સમયની ચર્ચાનો અંત આવ્યો છે અને પાટનગરના જોડીયા મહાનગર અમદાવાદમાંથી જ નવા પ્રદેશ પ્રમુખ તરીકે રાજયમંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે ચૂંટણી અધિકારી ઉદય કાનગડને તેમનું ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યુ હતું.