Srinagar, તા.3
દેશમાંથી ચોમાસાની વિદાય વચ્ચે પણ ગુજરાત સહિતનાં અનેક ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે. તેવા સમયે કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ છે.ગુલમર્ગ, સોનમર્ગ તથા ગુરેજનાં પર્વતીય ભાગોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી અને પર્વતોનાં ઉપલા ભાગો પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. ઉંચાઈવાળા ભાગોમાં હિમવર્ષા વચ્ચે શ્રીનગર સહિતનાં મેદાની ભાગોમાં હળવો વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા 5 થી 7 ઓકટોબર દરમ્યાન હિમવર્ષા-વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું. તેના બદલે ઘટનાક્રમ વહેલો સર્જાયો હતો. પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો ખુશીથી ઝુમી ઉઠયા હતા.
બીજી તરફ હવામાન વિભાગે 17 રાજયોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર-છતીસગઢમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.બિહારનાં અનેક ભાગોમાં જોરદાર વરસાદ થયો હતો અને દુર્ગા પંડાલોમાં બે-ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા હતા.
આ સિવાય મધ્યપ્રદેશ , ઉતર પ્રદેશ, ઝારખંડ, ઓડીશા, પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાશ્મીરની જેમ હિમાચલનાં એકાદ-બે ભાગોમાં પણ હળવી હિમવર્ષા થઈ હતી. ધૌલાધાર પર્વતીય શ્રેણીમાં બરફ પડયો હતો. કાંગડામાં કરા પડયા હતા. ધર્મ શાળામાં તાપમાન નીચુ આવ્યુ હતું. ઠંડીની શરૂઆત થવાના સંકેતો છે.