New Delhi તા.4
ભારતમાં સાયબર ફ્રોડ તથા ઓનલાઈન છેતરપીંડીમાં ચિંતાજનક વધારા સાથે લોકો કરોડો રૂપિયા ગુમાવી જ રહ્યા છે.ત્યારે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા એક સનસનીખેજ કૌભાંડ ખુલ્લુ પાડવામાં આવ્યું છે. જેનાથી તપાસનીસ એજન્સી પણ સ્તબ્ધ થઈ છે.
નવ મહિનામાં જ 800 કરોડની તોતીંગ કમાણી કરનાર આ ગેરકાયદે પ્લેટફોર્મના પ્રમોટર રશીયાનાં ટેકનીકલ સપોર્ટ જયોર્જિયા ભારતમાં કામગીરી દુબઈથી અને સર્વર બાર્સેલોનામાં હોવાનું બહાર આવ્યું છે.
ભારતમાંથી મની લોન્ડરીંગ દ્વારા હજારો કરોડ રૂપિયાની ટેકસ હેવન દેશોમાં હેરાફેરી કરવાના મામલે એજન્સી દ્વારા `ઓકટાએફએકસ’ પર તવાઈ ઉતારવામાં આવી હતી અને તેમાં ચોંકાવનારો ધડાકો થયો હતો ગેરકાયદે નાણાં મોકલવા ક્રિપ્ટોકરન્સી તથા ઈન્ટરનેશનલ પેમેન્ટ ગેટેવેનો ઉપયોગ થયાનો પણ ખુલાસો થયો હતો.
તપાસમાં એમ ખુલ્યુ છે કે ફોરેકસ (કરન્સી માર્કેટ) કોમોડીટી તથા ક્રિપ્ટોકરન્સીમાં કાર્યરત ઓકટાએફએકસ સાયપ્રસમાં શરૂ થઈ હતી અને માત્ર નવ મહિનાનાં ટુંકાગાળામાં માત્ર ભારતમાંની કામગીરીમાં જ 800 કરોડનો નફો કરીને ગેરકાયદે દેશ બહાર ધકેલી દીધો હતો આ માટે સિંગાપોરની બનાવટી આયાતી સેવા જેવા બોગસ વ્યવહારોનો ઉપયોગ કરવામાં આવ્યા હતા.
એક ચોકકસ કેસમાં એજન્સીએ ભારત અને વિદેશમાં 172 કરોડની સંપતિ ટાંચમા લીધી હતી. તેમાં એક પાટ, સ્પેનમાં બંગલો, બેંકના 36 કરોડ, 39000 ક્રિપ્ટોકરન્સી તથા 80 કરોડની જમીન શેરનો સમાવેશ થાય છે.
એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટની મુંબઈ ઝોન કચેરી દ્વારા આ કેસમાં તપાસ ચલાવવામાં આવી છે. ગેરકાયદે ઓનલાઈન પ્લેટફોર્મ મારફત રોકાણના નામે ફ્રોડના અન્ય કેસોમાં પણ તપાસ થઈ રહી છે. બેંગ્લોર કચેરી દ્વારા `પાવર બેંક’ કોલકતા યુનિટ દ્વારા એન્જલવન, ટીએમ ટ્રેડર્સ તથા વિવાદ લી અને કોચી યુનિટ દ્વારા ઝરા એફએકસ પર ગાળીયો કસાયો છે.
ઈડીની તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે, ક્રિપ્ટોકરન્સીના નામે સાયબર ફ્રોડ કરનારા બ્રોકર તરીકે કાર્યરત રહે છે. ક્રિપ્ટોનાં નાણા ચીનનાં ગ્રાહકોને મોકલી દેવાય છે. ઓછી રકમના બીલ બનાવવામાં તેનો ઉપયોગ કરાય છે. બીરફા આઈટી તથા સંલગ્ન કંપનીઓએ સર્વરનાં લીઝ તથા અન્ય સેવાઓના નામે 4818 કરોડ હોંગકોંગ તથા કેનેડાની કંપનીઓને મોકલી દીધા હતા.
આ કંપનીઓનું સંચાલન કૌભાંડીયાઓનાં હાથમાં જ હોય છે. સમાન પ્રકારનાં સાયબર ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં એવુ બહાર આવ્યુ હતું કે લાઓસ, હોંગકોંગ, તથા થાઈલેન્ડના કૌભાંડીયા માસ્ટર માઈન્ડ બોગસ દસ્તાવેજોની બનાવટી કંપની સ્થાપવા ભારતમાં એજન્ટો રોકે છે.બનાવટી આઈઓ એલોટમેન્ટથી માંડીને ડીજીટલ એરેસ્ટ સુધીના કૃત્યો આચરે છે ફ્રોડના આ નાણા ક્રિપ્ટોમાં ક્નવર્ટ ર્ક્યા બાદ બનાવટી આયાતનાં નામે વિદેશોમાં ધકેલી દેવામાં આવે છે.