Mumbai, તા.૪
૯૦ ના દાયકામાં, રવિના ટંડન, કરિશ્મા કપૂર, કાજોલ અને જુહી ચાવલા જેવી અભિનેત્રીઓએ બોક્સ ઓફિસ પર રાજ કર્યું હતું. પરંતુ જ્યારે સૌથી ધનિક અભિનેત્રીઓની વાત આવે છે, ત્યારે જુહી ચાવલાનું નામ સૌથી પહેલા આવે છે. ભલે તે બે વર્ષથી કોઈ ફિલ્મમાં દેખાઈ નથી, પરંતુ તેણીએ ચોક્કસપણે તેના સાહસો, રિયલ એસ્ટેટ અને રોકાણો દ્વારા ૭,૭૯૦ કરોડનું સામ્રાજ્ય બનાવ્યું છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૫ અનુસાર, જુહી ચાવલા અને તેના પરિવારની કમાણીમાં ગયા વર્ષની સરખામણીમાં ૬૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.અહેવાલ મુજબ, જુહી ચાવલાની મોટાભાગની કમાણી નાઈટ રાઇડર્સ સ્પોટ્ર્સમાંથી આવે છે, જેના કારણે તે સિનેમામાં સૌથી વધુ નેટ-વર્થ ધરાવતી અભિનેત્રી બની છે. જોકે, અભિનેતાઓમાં, તે શાહરૂખ ખાનથી પાછળ છે, જેની કમાણી ૧૨,૪૯૦ કરોડ છે. જોકે, જુહી ચાવલાએ ૨,૧૬૦ કરોડ સાથે ઋતિક રોશન, ૧,૮૮૦ કરોડ સાથે કરણ જોહર અને ૧,૬૩૦ કરોડ સાથે અમિતાભ બચ્ચનને પાછળ છોડી દીધા છે.જુહીની સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો આઈપીએલની સૌથી મૂલ્યવાન ળેન્ચાઇઝીઓમાંની એક, કોલકાતા નાઈટ રાઇડર્સમાં તેના હિસ્સામાંથી આવે છે. તે તેના લાંબા સમયના મિત્ર અને સહ-કલાકાર શાહરૂખ ખાન અને તેના પતિ જય મહેતા સાથે તેમની સંબંધિત કંપનીઓ, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને મહેતા ગ્રુપ દ્વારા કેકેઆરની સહ-માલિકી ધરાવે છે.વધુમાં, આઈપીએલ ૨૦૨૪ નો ખિતાબ જીત્યા પછી કેકેઆરની બ્રાન્ડ વેલ્યુમાં નોંધપાત્ર વધારો થયો છે. હૌલિહાન લોકીના આઈપીએલ બ્રાન્ડ વેલ્યુએશન સ્ટડી અનુસાર, લીગનું કુલ મૂલ્ય વધીને ૧.૪૫ લાખ કરોડ થયું છે, જેમાં એકલા કેકેઆર નું મૂલ્ય ૧,૯૧૫ કરોડ હતું. ગયા વર્ષ સુધીમાં, જુહી ચાવલાની કુલ નેટવર્થ ૪,૬૦૦ કરોડ હતી. જુહીએ એક જ વર્ષમાં આ રકમમાં ૩,૧૯૦ કરોડનો ઉમેરો કર્યો છે. રિચ લિસ્ટ ૨૦૨૫માં ટોચની ૧૦ સ્વ-નિર્મિત મહિલાઓમાં તે ૬ઠ્ઠા ક્રમે છે.