Bhavnagar,તા.૪
દિવાળીના તહેવાર આડે હવે જૂજ દિવસો બાકી છે. ત્યારે ભાવનગર શહેરમાંથી અખાદ્ય ચીજ-વસ્તુઓના મસમોટો જથ્થો પકડાયો છે. આ કાર્યવાહી આરોગ્ય વિભાગ કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નહીં, પરંતુ ભાવનગર ન્ઝ્રમ્ પોલીસ દ્વારા કરવામાં આવી છે. દેવગાણા ગામેથી નકલી માવો બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાં ભેળસેળ કરેલો જથ્થો મળી આવ્યો, જેનો નાશ કરવામાં આવ્યો છે.
ભાવનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામે નકલી માવો બનાવવાની ફેક્ટરી ચાલી રહી છે. જેને પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે લઈ અને સ્થળ પર જઈને રેડ કરવામાં આવી હતી. ત્યાંથી પોલીસને નકલી માવો બનાવવાની ફેક્ટરી મળી આવી હતી. આ કેસમાં પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોડી રાત્રી સુધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર એલસીબી પોલીસે જાહેર કર્યું કે દેવગાણા ગામે કલ્પેશ ભુપતભાઈ બારૈયા આ ફેક્ટરી ચલાવી રહ્યા છે. સ્થળ પર રેડ કરતા ૬૩,૦૦૦ રૂપિયાની કિંમતનો ફટકડીનો ઉપયોગ કરીને બનાવેલો કણીવાળો માવો અને ૭૬,૮૦૦ રૂપિયાની કિંમતનો વનસ્પતિ તેલનો બનાવેલો ૪૮૦ કિલો મોળો માવો ફૂડ એન્ડ ડ્રગ વિભાગની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે.
“દ્વારકાધીશ સ્વીટ માર્ટ તરીકે મધુબેન ભુપતભાઈ બારૈયા આ ફેક્ટરી ચલાવી રહ્યા છે. હાલમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. પરંતુ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવે તો આગળની કાર્યવાહી થઈ શકે છે.” — ધવલ સોલંકી (અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ)
આ સાથે ફેક્ટરીમાંથી નેચરલ ડીલાઈટ એમએમપી ૨૮ નંગ, અમુલ મિલ્ક પાવડરના ૨૯ કટ્ટા, સુમન વનસ્પતિ ઘીના ૭ ડબ્બા, મીઠા માવાના ૧૦ કિલોના ૭૪ નંગ પેકેટ અને ૩૦ કિલોના ૧૬ નંગ પેકેટ મળી કુલ ૧૨૨૦ કિલો મુદ્દામાલ ઝડપાયો હતો.
ભાવનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી ધવલ સોલંકીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, દેવગણા ખાતે નકલી માવો ઝડપાયો છે, જેમાં વનસ્પતિ તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, આ ફૂડ ગ્રેડ વસ્તુ છે, એનાથી નુકસાન થાય તેવું કહી ન શકાય. પરંતુ વિપરીત અસર થઈ શકે છે, જેમ કે કોલેસ્ટ્રોલ વધવુ.
આ અંગે પીએસઆઇ પી. ડી. ઝાલાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, બાતમી મળ્યા બાદ અમે ફૂડ વિભાગને સાથે રાખીને રેડ કરી હતી. સ્થળ પરથી નકલી માવો અને અન્ય ચીજો મળી આવી હતી. કલ્પેશ ભુપતભાઈ બારૈયા આ સમગ્ર વ્યવસાય ચલાવતો અને તેની પાસે લાયસન્સ પણ ન હોવાનું જાણવા મળ્યું. હાલમાં ફૂડ વિભાગે સાત જેટલા સેમ્પલ લીધા છે, રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થઈ શકે છે.