Ahmedabad,તા.૪
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સંબંધોને શરમમાં મૂકે અને આર્થિક જગતમાં ચકચાર મચાવે તેવો એક સનસનાટીભર્યો કેસ સામે આવ્યો છે. એક મહિલા એસોસિયેટ ડિરેક્ટરને તેમના સગા માસીના દીકરા સહિત કુલ ત્રણ ભાગીદારોએ ધંધાના નામે વિશ્વાસમાં લઈને રૂ. ૧ કરોડ ૭૫ લાખની જંગી રકમની છેતરપિંડી આચરી છે. આ મામલે નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નેહલ નિખિલકુમાર ઠક્કર (ઉ.વ. ૪૮) એક પ્રતિષ્ઠિત કંપનીમાં છેલ્લા ૨૫ વર્ષથી એસોસિયેટ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેમની અને તેમના પતિની જીવનભરની કમાણી પર આરોપીઓની નજર હતી. ઘટનાની શરૂઆત મે-૨૦૨૩ માં થઈ, જ્યારે મુખ્ય આરોપી અને નેહલબેનના સગા માસીના દીકરા ચેતન જયંતીભાઇ કારીયાએ તેના ભાગીદારો પ્રિત પ્રદિપભાઈ કારિયા અને સાગર ચેતનભાઇ કારિયા સાથે મળીને ’આસ્થા ક્રિએશન’ નામની તેમની પેઢી માટે નાણાંની જરૂરિયાત દર્શાવી હતી.
આરોપીઓએ કુટુંબના સંબંધનો સહારો લઈને બહેનને સંપૂર્ણ વિશ્વાસમાં લીધા કે તેમને ધંધાના સેટઅપ માટે આશરે બે કરોડ રૂપિયાની જરૂર છે, અને ધંધો શરૂ થતાંની સાથે જ આ રકમ વ્યાજ સહિત પાછી આપી દેવામાં આવશે. આ મીઠી વાતોમાં આવીને નેહલબેને તેમની મહેનતની બચતમાંથી આરોપીઓને મદદ કરવાનું નક્કી કર્યું.
આરોપીઓએ ૧૨/૫/૨૦૨૩ થી ૨/૧૦/૨૦૨૫ સુધીના લાંબા ગાળા દરમિયાન અલગ-અલગ હપ્તાઓમાં નાણાં મેળવ્યા. આ પ્રક્રિયા દરમિયાન, નવરંગપુરાના નરનારાયણ કોમ્પ્લેક્સ ખાતે, તેમણે ફરિયાદી પાસેથી બેંક મારફતે રૂ. ૧,૩૭,૫૦,૦૦૦/- અને રોકડા રૂ. ૩૭,૫૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧,૭૫,૦૦,૦૦૦/- પડાવ્યા.
લાંબો સમય વીતી જવા છતાં જ્યારે આરોપીઓએ રકમ પરત ન કરી, ત્યારે નેહલબેને પૈસાની ઉઘરાણી શરૂ કરી. જોકે, આરોપીઓએ ધંધામાં નુકસાનના બહાના આપીને, વાયદાઓ કરીને અને અંતે રકમ પરત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરીને વિશ્વાસઘાત કર્યો.
છેતરપિંડીનો ભોગ બન્યા બાદ નેહલબેન ઠક્કરે તાત્કાલિક નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૧૬(૨) (ગુનાહિત વિશ્વાસઘાત) અને કલમ ૫૪ (છેતરપિંડી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. અને આરોપીઓની ધરપકડ તથા તેમના વ્યવહારોની તપાસ માટે કવાયત હાથ ધરી છે. આ કેસ એ સાબિત કરે છે કે નાણાકીય વ્યવહારોમાં લોહીના સંબંધો પર આધારિત વિશ્વાસ પણ કેટલો ભારે પડી શકે છે.