Jaipur,તા.06
રાજસ્થાનના પાટનગર જયપુરમાં સવાઈ માનસિંઘ હોસ્પીટલના આઈસીયુ વોર્ડમાં અચાનક જ આગ ફાટી નીકળતા અહી સારવારમાં રહેલા આઠ દર્દીઓ જીવતા ભુંજાઈ ગયા હતા. જયારે પાંચ અત્યંત ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં સારવાર હેઠળ છે. શોર્ટ સર્કીટથી લાગેલી આગની જવાળાઓ તથા ધુમાડાઓથી દર્દીઓને બચવાની તક પણ મળી ન હતી.
આ હોસ્પીટલના ટ્રોમા સેન્ટર તરીકે ઓળખાતા આઈસીયુ વોર્ડમાં કુલ 24 દર્દીઓ આ આગ સમયે મોજૂદ હતા. જેમાં 11 સદનસીબે બાજુના રૂમમાં મોજૂદ હતા. ટ્રોલીનો ઉપયોગ કરીને તેઓને સલામત દુર અન્ય વોર્ડમાં ખસેડાયા હતા પણ બે મહિલા સતત આઠ અગન જવાળા અને ધુમાડામાં ગુંગળાઈ જતા મૃત્યુ પામ્યા હતા.
આ દુર્ઘટનાના પગલે રાજયના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોટ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તથા રાહત કામગીરીનું માર્ગદર્શન પામ્યું હતું. ટ્રોમા સેન્ટરના અન્ય દર્દીઓને પણ કટોકટીની સારવાર ઉપલબ્ધ મળી રહે તે જોવા જણાવાયુ હતું. રાત્રીના સમયે આ આગ લાગી હતી.
જેથી બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. હોસ્પિટલમાં આગ સામે કામ કરે તેવી સીસ્ટમ પણ પુરી રીતે કામ કરતી ન હતી. જેના કારણે આગની વિકરાળતા વધી હતી જે પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે. તેઓને બર્ન વોર્ડમાં સારવાર માટે ખસડાયા છે અને જયપુરની ખાનગી હોસ્પીટલના નિષ્ણાંત તબીબોની ટીમને પણ અહી સારવારમાં તૈનાત કરવામાં આવી છે.
હોસ્પીટલમાં આગ લાગી હોવાના ખબર મળતા જ દર્દીઓના સગાસંબંધીઓ પણ અહી ઉમટયા હતા તથા અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પીટલમાં ફાયર-એલર્ટ સીસ્ટમ પણ મોજૂદ ન હતી. બાદમાં હોસ્પીટલના બીજા વોર્ડ સુધી ધુમાડો પહોચવા લાગતા અને અહી પણ આગ પહોંચે તેવી શકયતાએ વધુ 141 દર્દીઓને પણ અન્યત્ર ખસેડવાની ફરજ પડી હતી.