Ahmedabad,તા.06
ગુજરાતમાં ઔદ્યોગીક ક્ષેત્રને હવે કુશળ-કારીગરોથી સમૃદ્ધ કરીને ઉત્પાદન તથા ગુણવતા સુધારવા અને વિશ્વકક્ષાની બ્રાન્ડ બનાવવા હવે રાજય સરકારે તેની નવી ઉદ્યોગનીતિમાં મહત્વના ફેરફાર કરવા નિર્ણય લીધો છે.
રાજયની આ નવી ઉદ્યોગનીતિ તૈયાર થઈ છે અને દિવાળી પુર્વે તેની જાહેરાત થશે જે રાજયના ઉદ્યોગક્ષેત્રને વધુ એક તબકકામાં ઉપર મુકશે. ખાસ કરીને ઉદ્યોગને કુશળ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તેવા કુશળ કારીગરો મળી રહે તે માટે હવે ઉદ્યોગોને જ જવાબદારી સોંપાઈ છે.
જેમાં ઉદ્યાગોએ તેના પ્રોજેકટ ખર્ચના 2% રકમ સ્કીલ-ડેવલપમેન્ટ-કુશળ કારીગરોને તૈયાર કરવામાં કરવો પડશે એટલું જ નહી નવી ટેકનોલોજી- નવી આધુનિક મશીનરીના ઉપયોગ માટે વર્તમાન ઉદ્યોગોએ પણ તેના કારીગરોને રી-સ્કીલ કરવા પડશે.
જેમાં તેઓને માટે તાલીમ વિ.ની વ્યવસ્થા કરવાની રહે છે. આ નવી નીતિ ઉદ્યોગની આધુનિકતા આધારીત હશે અને તેના આધારે જે સરકારી લાભો જે તે ઉદ્યોગ મેળવે છે તેને સાંકળી લેવાશે.
આ માટે સરકારે શ્રમ-રોજગાર વિભાગ તથા ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગને સાથે બેસીને પ્લાનીંગ કરવા જણાવ્યુ છે. જેથી સ્કીલ ડેવલપમેન્ટ એક સતત ચાલતી પ્રક્રિયા બની રહેશે. ગુજરાતને ઔદ્યોગીક હબ તરીકે સ્થાપીત કરાયા બાદ હવે ટેકનોલોજી અને શ્રમઆધારિત ઉદ્યોગો બન્નેને સાથે લાવીને રાજયમાં રોજગાર સાથે કુશળ કારીગરોની સમસ્યાને પણ હલ કરાશે.
ગુજરાતમાં જો કુશળ કારીગરોની ફૌજ તૈયાર હશે તો નવા ઉદ્યોગોને પણ આવવા પ્રોત્સાહન મળશે. સરકારે તેની તમામ ઔદ્યોગીક પ્રમોશન પોલીસીની સાથે સ્કીલ ડેવલપમેન્ટ સાથે સાંકળી લેવા નિર્ણય લીધો છે. જેમાં ઉદ્યોગો જ ખુદ સ્કીલ ડેવલપમેન્ટમાં ખાસ પ્રયાસો કરે તે સરકાર નિશ્ચિત કરવા માંગે છે.
આથી જ હાલ રૂા.1000 કરોડ કે તેથી વધુની કિંમતના પ્રોજેકટને તેના કુલ પ્રોજેકટ ખર્ચના 1થી2% સ્કીલ ડેવલપમેન્ટ કુશળ કારીગરોના સર્જન માટે ખાસ તાલીમ અને તેઓમાં પણ સતત અપડેટ થતા રહે તેવી વ્યવસ્થા સાથેનું માળખુ ઉભુ કરવા માટે જણાવશે. રાજય સરકાર ખુદ સ્કીલ ડેવલપમેન્ટ માટે પાંચ વર્ષમાં રૂા.50000 કરોડ ખર્ચ કરશે.
એટલુ જ નહી કંપનીઓની જે સોશ્યલ સિકયોરિટી રીસ્પોન્સીબીલીટી (સીએસઆર) યોજના છે. જેમાં તેઓએ નફાનો ચોકકસ ભાગ સામાજીક હેતુ માટે ઉપયોગ કરવાનું ફરજીયાત છે તે હેઠળ પણ આ સ્કીલ ડેવલપમેન્ટ યોજના અમલી કરી શકશે.
કંપનીઓ તેની આ જવાબદારીના 10-20% રકમ સ્કીલ ડેવલપમેન્ટ યોજના હેઠળ ફાળવી શકશે. આ માટે ગુજરાત સરકાર કૌશલ્ય સ્કીલ યુનિ. હેઠળ એક ખાસ ગુજરાત સેકટર સ્કીલ- ટાસ્ક ફોર્સ હેઠળ એક ખાસ અલગથી તંત્ર રચશે.

