Ahmedabad,તા.6
ગુજરાતમાં હાલ ચોમાસાની વિદાયની વચ્ચે વાવાઝોડાના સંકટને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. એક તરફ ખેડૂતોનો ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે તો બીજી તરફ અરબ સાગરમાં બનેલા વાવાઝોડાને કારણે રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના કારણે ખેડૂતોનો ચોમાસું પાક બગડવાની ભીતિ છે.
હવામાન વિભાગે આજે વહેલી સવારે ત્રણ કલાકે આપેલી માહિતી પ્રમાણે, આજે, 6 ઓક્ટોબરની સવાર સુધીમાં તે દક્ષિણ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ધીમે ધીમે નબળું પડી જશે. ત્યારબાદ, તે વળશે અને પશ્ચિમ મધ્ય અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને સાત ઓક્ટોબર બપોર સુધીમાં વધુ નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાશે.
આ સાથે તેમણે જણાવ્યું કે, તીવ્ર ચક્રવાતી તોફાન શક્તિ ઉત્તરપશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર 5 પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર કેન્દ્રિત હતું, જે મસીરાહ (ઓમાન) થી લગભગ 180 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે છઠ્ઠી ઓક્ટોબરે ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી. હવામાન વિભાગની માહિતી પ્રમાણે, 11મી ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. જોકે, 10મી ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે અનુમાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વધુ મજબૂત બનશે. વાવાઝોડાનો ટ્રેક જામનગરના ભાગો થઈ રાજસ્થાન તરફ જવાની શક્યતા છે.
વાવાઝોડા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ મર્જ થવાના કારણે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ અને રાજસ્થાનના ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.
આ સિસ્ટમની અસર 10 ઓક્ટોબર સુધી રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. દરિયાકાંઠાના વિસ્તારમાં તેજ પવન ફૂંકાશે.
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓક્ટોબરના અંતમાં ફરી વાતાવરણ પલટશે. 8 ઓક્ટોબર સુધીમાં ચીનમાં વાવાઝોડું બની રહ્યું છે. જેના અવશેષો પણ બંગાળના ઉપસાગરમાં આવશે. 18 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆતમાં માવઠાની આગાહી છે અને એક પછી એક બનતી સિસ્ટમના કારણે માવઠું થશે.