અલ-હમ્મામીએ અચાનક કોકપિટની અંદર ઇમરજન્સી કુહાડીથી કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કર્યો હતો
Dubai, તા.૫
દુબઈથી Tel Aviv જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓમાની કો-પાયલટે કથિત રીતે આ વિમાનને હાઇજેક કરીને ઈઝરાયલના તેલ અવીવ શહેરમાં કોઈ મોટી ઇમારત સાથે અથડાવીને ક્રેશ કરવાનું મોટું કાવતરું રચ્યું હતું. જોકે, ભારતીય પાયલટ સ્મિત મચ્છરે સમયસૂચકતા દાખવીને આ ખતરનાક કોશિશને નિષ્ફળ બનાવી દીધી હતી.ઈટાલિયન મીડિયા રિપોર્ટ અનુસાર, ૩૦ સપ્ટેમ્બરના રોજ ઉડાન શરૂ થતાની સાથે જ કો-પાયલટે અફરા-તફરી મચાવી દીધી હતી. કો-પાયલટની ઓળખ ૨૯ વર્ષીય હમ્મામ અલ-હમ્મામી તરીકે થઈ છે, જેના પિતા ઓમાની અને માતા સીરિયન છે.
શરૂઆતમાં તેના વ્યવહારમાં કંઈપણ શંકાસ્પદ જણાયું ન હતું, પરંતુ ફ્લાઇટ હવામાં પહોંચ્યા બાદ તેનો અસલી ઈરાદો બહાર આવ્યો હતો.અલ-હમ્મામીએ અચાનક કોકપિટની અંદર ઇમરજન્સી કુહાડીથી કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલો કર્યા બાદ તેણે પ્લેનનું કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધું અને વિમાનને ઝડપથી નીચે તરફ વાળી દીધું હતું. આ દરમિયાન વિમાન માત્ર ૩૦ સેકન્ડમાં આશરે ૧૬,૦૦૦ ફૂટ નીચે ગયું હતું.ઈઝરાયલી ગુપ્તચર એજન્સીના અહેવાલો મુજબ, આતંકવાદી માનસિકતા ધરાવતા અલ-હમ્મામીની યોજના વિમાનને તેલ અવીવ લઈ જઈને ત્યાંની કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાની હતી.
તેની આ યોજના એટલી ઝડપી હતી કે અધિકારીઓ કે લડાકુ વિમાનોને કોઈ વાતચીત કરવાનો કે પ્રતિક્રિયા આપવાનો સમય ન મળે. ફ્લાઇટમાં તે સમયે ૧૭૪ મુસાફરો અને ક્રૂના ૬ સભ્યો સવાર હતા.ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિત મચ્છરે હિંમત હારી નહીં. તેઓ કોકપિટમાંથી બહાર આવીને અન્ય ક્રૂ મેમ્બર્સ અને કેટલાક મુસાફરોની મદદ લેવામાં સફળ રહ્યા. આ બધાએ મળીને સહ-પાયલટ અલ-હમ્મામી પર કાબૂ મેળવ્યો અને નીચે તરફ પછડાતા વિમાનને સમયસર સ્થિર કર્યું હતું.પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ વિમાનને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સાઉદી સત્તાવાળાઓએ અલ-હમ્મામીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી હતી અને બાદમાં તેને યુનાઇટેડ આરબ એમીરેટ્સ મોકલી આપવામાં આવ્યો છે, જ્યાં હાલ તેને રાખવામાં આવ્યો છે. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા અને બાદમાં તેમને અન્ય માધ્યમથી તેલ અવીવ મોકલવામાં આવ્યા હતા.

