Ahmedabad,તા.06
શહેરમાં વધુ એક આગની ઘટના બની હતી. પાલડી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં આગ લાગી હતી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર કાબુ મેળવી લેતા જાનહાની અટકી હતી. 16 બાળકોને રેસ્કયુ કરાયા હતા.
શહેરના પાલડી વિસ્તારમાં આવેલી નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાંત `વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલ’માં આગ લાગી હતી. અચાનક આગ લાગતાં હોસ્પિટલમાં હાજર લોકો વચ્ચે દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. જયારે ઘટનાની ગંભીરતાને જોતાં હોસ્પિટલમાંથી 16 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આગ વધુ પ્રસરતા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. જયારે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
હોસ્પિટલમાં આગ કયા કારણસર લાગી હતી, તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ફાયરની ટીમ દ્વારા આગ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.