Dwarka , તા.6
અરબી સમુદ્રમાં આકાર પામેલું શક્તિ વાવાઝોડું શનિવારે દિવસ દરમિયાન આશરે 15 થી 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. શનિવારે સવારે દ્વારકાથી આશરે 420 કિમી દૂર સ્થિર રહ્યું હતું. જેના લીધે પોરબંદર તથા ગીર સોમનાથ જિલ્લામાં તેનો કરંટ જોવા મળ્યો હતો. આ સાથે દેવભૂમિ દ્વારકા સહિતના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. હાલમાં વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ગતિ 95 થી 105 કિમી પ્રતિ કલાકની છે. જે વધીને 115 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી રહી હોવાના અહેવાલો પણ હતા.
હવામાન વિભાગની વિગત મુજબ તા. 4 થી 7 ઓકટોબર સુધી ગુજરાત તેમજ ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ગતિ વધીને 45 થી 55 કિમી પ્રતિ કલાક અને મહત્તમ 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. જો કે આ વાવાઝોડું દરિયામાં જ તીવ્ર બની આગળ વધશે. જેની અસર ગુજરાત તથા ઉત્તર મહારાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં અનુભવાશે.
આ સીસ્ટમ તા. 6 અને 7 ઓકટોબરના ફરી ગુજરાત તરફ આવશે. જેના કારણે રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધુ અસરકારક રહે તેમ હોય, વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે.
આ સંદર્ભે તા. 7 સુધી અરબી સમુદ્રમાં હવામાન ખૂબ ખરાબ રહેવાની સંભાવના હોવાથી માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જેના પગલે દરિયા કાંઠે મોટી સંખ્યામાં માછીમારી બોટના થપ્પા લાગી ગયા છે.