Jamnagar તા.6
જામનગરના દિવ્યમ કોમ્પલેક્ષ નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધને અજાણ્યા બાઈક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાઇકની ઠોકરે ફૂટબોલ થયેલા વૃદ્ધ ને ગંભીર ઈજા થતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જે મામલે તપાસ મૃતકના પુત્રએ પોલીસમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ નંદનવન પાર્ક 2 માં રહેતા રસિકલાલ અમૃતલાલ ખાખરીયા નામના 73 વર્ષીય વૃદ્ધ તા. 30 ના રોજ શહેરના જડેશ્વર પાર્ક દિવ્યમ કોમ્પલેક્ષમાં આવેલ પોતાના પુત્રની ઓફિસે ગયા હતા અને ત્યાંથી પરત ઘરે જવા ન થયા હતા. આ દરમિયાન તેઓ દિવ્યાંગ કોમ્પ્લેક્સ જડેશ્વર પાર્ક પાસેનો રોડ ક્રોસ કરતા હતા. ત્યારે અક્સ્માત સર્જાયો હતો.
બેફામ સ્પીડે આવેલ બાઇકના ચાલકે વૃદ્ધ ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકની ઠોકરે વૃદ્ધને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આથી સ્થાનિકો દ્વારા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જોકે સારવાર કારગત ન નિવડતા વૃદ્ધનું લાંબી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર નિલેશભાઈ રસિકલાલ ખાખરીયા સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરતાં પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.