New Delhi, તા.6
હવે આવનારા દિવસોમાં કાતિલ અને લાંબા સમયગાળા સુધી ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેજો. ઉતરાખંડના પહાડોમાં આ વખતે ખૂબ જ બરફવર્ષા થશે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લા-નીનાની અસરના કારણે આવું થશે. આ વખતે શિયાળાના દિવસો પણ વધુ હશે, જયારે હવામાનમાં ઠંડી માર્ચના અંત સુધી રહેશે. ઠંડી વધુ રહેવાનું કારણ આ વખતે પહાડીમાં ખૂબ બરફવર્ષા થવાનું છે.
પંતનગર વિશ્વ વિદ્યાલયના હવામાન વૈજ્ઞાનિક એ.એસ.નૈને બતાવ્યું હતું કે, ઉતરાખંડમાં આ વખતે ડિસેમ્બરથી લા-નીનાની અસર દેખાવા લાગશે. આથી કડકડતી ઠંડી પડશે. આનો મતલબ એ થયો કે આ વખતે લાંબી અને કાતીલ ઠંડીનો સામનો કરવો પડશે તેનો સીધો લાભ પર્યટન કારોબારને પણ થશે.
હવામાન વૈજ્ઞાનિક એ.એસ.નૈને કહ્યું હતું કે, હવે હવામાનમાં ધીરેધીરે ફેરફાર આવવો શરૂ થઈ ગયો છે. દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ હવામાન પરિવર્તન હાલ સતત ચાલુ રહેશે.
ઓકટોબરના અંત સુધીમાં ઠંડી અનુભવવા લાગશે. અનુમાન છે કે આગામી વર્ષ એપ્રિલની શરૂઆતમાં જ તાપમાનમાં ધીરે ધીરે વધારો શરૂ થશે. વાર્ષિક ચક્ર પર પણ અસર પડી શકે છેઃ હવામાન વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે જો લા-નીનાની વધુ અસર રહી તો તે મે થી જૂનની ગરમી અને જુલાઈથી સપ્ટેમ્બરના વાર્ષિક ચક્રને અસર કરી શકે છે.
શું છે લા-નીના
પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું પાણી સામાન્યથી 0.5 ડીગ્રી સેલ્સીયસ કે તેનાથી વધુ ઠંડુ થઈ જાય છે. આથી ભારતમાં સારો વરસાદ અને વધુ ઠંડી પડે છે.
ઘણા દિવસો સુધી રહી શકે છે ધુમ્મસ
હવામાન વિભાગના અનુસાર લા-નીનાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. અનુમાન છે કે આ વખતે ધુમ્મસના દિવસો સામાન્યથી વધુ હોઈ શકે છે. પહાડની તુલનામાં મેદાની ક્ષેત્રોમાં ધુમ્મસ વધુ દિવસ સુધી રહી શકે છે.
વસંતના દિવસોને પણ અસર થઈ શકે છે
માર્ચથી એપ્રિલના મહિનાને વસંત ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. વધુ દિવસ ઠંડી પડવાના કારણ વસંત ઋતુના દિવસોને પણ અસર પડી શકે છે.