New Delhiતા.7
સોના-ચાંદીમાં તેજીનો દોર જારી રહ્યો છે. આજે વધુ ઉછાળા સાથે ભાવો નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. આ કિંમતી ધાતુઓમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટરોને વ્હેલી દિવાળી આવી ગયાનો ઘાટ રહ્યો છે.
રાજકોટમાં સોનાનો ભાવ સવા લાખની નજીક પહોંચી ગયો હતો જયારે ચાંદી 1.55 લાખની નજીક હતી. વિશ્વબજારમાં સોનુ 3972 ડોલર તથા ચાંદી 48.53 ડોલર હતી. મહત્વની વાત એ છે કે ઓલ ઈન્ડીયા જવેલર્સ એસોસીએશન દ્વારા દિલ્હીમાં સોનાનો ભાવ 130300 તથા ચાંદીનો ભાવ 157400 કવોટ કરવામાં આવ્યો હતો જે લોકલ માર્કેટ કરતા ઘણો વધુ છે.
સોના-ચાંદીમાં એકધારી તેજી વચ્ચે ભાવ રોજેરોજ મળી ઉંચાઈને આંબી રહ્યા છે. તેમાં રોકાણ કરનારાઓ માલામાલ થઈ ગયા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં જ સોનામાં 55 ટકા તથા ચાંદીમાં 75 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
1 જાન્યુઆરી 2025ના રોજ સોનાનો ભાવ 77600 હતો તેમાં રૂા.45700નો ઉછાળો આવી ગયો છે અને 55 ટકાથી વધુની કમાણી થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં જ તેમાં 25300નો ઉછાળો હતો. છેલ્લા 6 મહિનામાં 27 ટકાની વૃદ્ધિ છે.
સોનાની કિંમતમાં છેલ્લા 20 વર્ષોની આ સૌથી ઝડપી તેજી રહી છે. 2005માં સોનાનો ભાવ 7000 હતો તે 1660 ટકાનો વધારો સૂચવે છે. તેજીના ટ્રેન્ડ વચ્ચે નિષ્ણાંતો ભાવવધારો ચાલુ જ રહેવાની આગાહી કરી રહ્યા છે. ગોલ્ડમેન સૈકસના રિપોર્ટ મુજબ સોનાનો વૈશ્વિક ભાવ 4500 ડોલરને આંબી શકે છે અને તેના આધારે ભારતમાં ભાવ 1.45 લાખ થઈ શકે છે.
બીજી તરફ ચાંદીમાં પણ ચાલુ વર્ષે 75 ટકાથી વધુનુ રિટર્ન મળ્યુ છે. 2025થી શરૂઆતમાં ચાંદીનો ભાવ 89700 હતો. ગોલ્ડમેન સૈકસના રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તરે આર્થિક-રાજકીય અનિશ્ચિતતા, ટેરિફવોર, અમેરિકામાં શટડાઉન વિશ્વમાં જુદા-જુદા સ્તરે ભૌગોલિક ટેન્શન, મોંઘવારીના પડકાર વચ્ચે વ્યાજદર ઘટાડવા સરકારી દબાણ જેવા કારણોસર સોના-ચાંદીના ભાવ તમામ રેકોર્ડ તોડીને નવા-નવા શિખરોને આંબી રહ્યા છે. ઈન્વેસ્ટરો અન્ય રોકાણ પાછુ ખેંચીને સોના-ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે.