Washington,તા.07
અમેરિકન નેવીની સ્થાપનાને ૨૫૦ વર્ષની ઉજવણી થઈ રહી છે. વર્જિનિયામાં યોજાયેલા નેવીના એક કાર્યક્રમમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું હતું. એ દરમિયાન સૌને આશ્વર્યમાં મૂકી દેતો દાવો કર્યો હતો કે ૯-૧૧નો હુમલો થયો તેના બરાબર એક વર્ષ પહેલાં મેં તત્કાલિન અમેરિકન સરકારને ઓસામા બિન લાદેન વિશે ચેતવણી આપી હતી, પરંતુ સરકારે તેને ગંભીરતાથી લીધી ન હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ હમણાંથી દુનિયાના કેટલાય યુદ્ધો અટકાવવાનો દાવો કરી રહ્યા છે. દુનિયામાં શાંતિ સ્થાપી હોવાની ક્રેડિટ વારંવાર ટ્રમ્પ લઈ રહ્યા છે. તેમનો દાવો તો એવો છે કે અડધો ડઝન જેટલા યુદ્ધો અટકાવ્યા હોવાથી તેમને નોબેલ પારિતોષિક મળવું જોઈએ. આવા દાવાઓ વચ્ચે તેમણે વધુ એક આશ્વર્યજનક દાવો કર્યો છે.
તેમણે કહ્યું: ઓસામા બિન લાદેને ૯-૧૧નો હુમલો કર્યો તેના બરાબર એક વર્ષ પહેલાં તત્કાલિન અમેરિકન સરકારને મેં ચેતવણી આપી હતી કે લાદેન પર નજર રાખજો. જો હું આ કહી રહ્યો છું એ સાચું નહીં હોય તો આવતી કાલ સુધીમાં ન્યૂઝ બની જશે. એટલે જ હું સાચું બોલી રહ્યો છું, પરંતુ તે વખતે સરકારે મારી વાતને ધ્યાનમાં લીધી નહીં એટલે હુમલો થયો.
તેમણે નેવીના કાર્યક્રમમાં ઉમેર્યું, મેં તે વખતની અમેરિકન સરકારને લખ્યું હતું કે મેં ઓસામા બિન લાદેન નામના એક વ્યક્તિ વિશે સાંભળ્યું છે અને તેને જોયો પણ છે. મને એ પસંદ આવ્યો નથી. તમારે (અમેરિકન સરકારે) એનું ધ્યાન રાખવું જોઈએ. જોકે, સરકારે એવું કર્યું નહીં. હું એટલે ચેતવણી આપ્યાની વાતની ક્રેડિટ લઈ રહ્યો છું, કારણ કે મને ક્રેડિટ આપવામાં આવી નથી. જો ક્રેડિટ આપવામાં ન આવે તો લઈ લેવી જોઈએ. તેમણે ભાષણમાં તેમના પુસ્તકનો ઉલ્લેખ પણ કર્યો. ૨૦૦૦ના વર્ષમાં પબ્લિશ થયેલી અમેરિકી વી ડીઝર્વ નામની બુકનો ઉલ્લેખ કર્યો, પરંતુ એમાં આ કિસ્સો છે કે નહીં તેની સ્પષ્ટતા થઈ નથી. ૨૦૦૧માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો – જે ૯-૧૧ના નામે ઓળખાય છે – ત્યારે જ્યોર્જ બુશ અમેરિકાના પ્રમુખ હતા. આશ્વર્યજનક બાબત એ છે કે બુશ રિપબ્લિકન પાર્ટીમાંથી જ પ્રમુખ બન્યા હતા અને ટ્રમ્પ પણ એ જ પાર્ટીના છે.