Stockholm,તા.07
૨૦૨૫નો નોબલ પુરસ્કાર ફિજિયોલોજી અથવા મેડિસિનના ક્ષેત્રમાં અમેરિકાની મેરી ઈ.બ્રંકો, ફ્રેડ રામ્સડેલ અને જાપાનના શિમોન સકાગુચીને તેમના પેરિફેરલ ઈમ્યુન ટોલરન્સ સંબંધિત અભૂતપૂર્વ સંશોધન માટે આપવામાં આવ્યો છે.
આ અભ્યાસ શરીરની ઈમ્યુન સીસ્ટમને સમજવા વૈજ્ઞાનિક ક્રાંતિ સાબિત થયો છે જે રુમેટોઈડ આર્થરાઈટીસ, ટાઈપ-૧ ડાયાબીટીસ અને લ્યુપસ જેવી ઓટોઈમ્યુન બીમારીના ઈલાજમાં નવી દિશાઓ ખોલશે. આ એવોર્ડ સ્ટોકહોમના કારોલિંસ્કા ઈન્સ્ટિટયુટ દ્વારા જાહેર કરાયો છે જેમાં વિજેતાઓને ૧૧ મિલિયન સ્વીડીશ ક્રોના (લગભગ ૮.૫ કરોડ રૂપિયા)ની રકમ, સ્વર્ણ પદક અને ડિપ્લોમા પ્રદાન કરવામાં આવશે.
શરીરની ઈમ્યુન સીસ્ટમ (પ્રતિકાર શક્તિ) સામાન્યપણે વાયરસ અથવા બેક્ટેરિયાથી રક્ષા કરે છે, પણ ક્યારેક તે પોતાના જ અવયવો પર હુમલો કરવાનું શરૂ કરે છે, જેને ઓટોઈમ્યુન બીમારી કહેવાય છે. અત્યાર સુધી વિજ્ઞાનીઓ માનતા હતા કે ઈમ્યુન કોશિકાઓ માત્ર શરીરની અંદર જ સહિષ્ણુ બને છે, જેને સેન્ટ્રલ ઈમ્યુન ટોલરન્સ કહેવાય છે. પણ હવે આ નોબલ વિજેતાઓએ સાબિત કર્યું છે કે શરીરના બાહ્ય હિસ્સામાં પણ પેરિફેરલ ઈમ્યુન ટોલરન્સ નામનું તંત્ર સક્રિય રહે છે, જે ઈમ્યુન સીસ્ટમને નિયંત્રિત કરે છે.
શિમોન સકાગુચીએ ૧૯૯૦ના દાયકામાં રેગ્યુલેટરી ટી સેલ્સ (ટ્રેગ્સ)ની શોધ કરી, જે ઈમ્યુન સીસ્ટમને અટકાવે છે અને તેને પોતાની જ પેશીઓ સામે લડતા રોકે છે. દરમ્યાન મેરી બ્રંકો અને ફ્રેડ રામ્સડેલે ફોક્સપી૩ જનીનની ઓળખ કરી જે ટ્રેગ્સ કોશિકાઓની માસ્ટર સ્વિચ છે. ૨૦૦૧માં તેમણે શોધ કરી કે આ જનીનમાં ખામી થવાથી આઈપેક્સ સીન્ડ્રોમ નામની ગંભીર બીમારી થાય છે, જેમાં બાળકનું શરીર પોતાના જ અવયવો પર હુમલો કરે છે.આ શોધોએ સાબિત કર્યું કે સેન્ટ્રલ અને પેરિફેરલ સહિષ્ણુતા બંને સંતુલિત રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં ફાળો આપે છે. તેમના સંશોધનથી ટ્રેગ-આધારિત ઉપચારોનો વિકાસ થયો છે, જે ઓટોઈમ્યુન બીમારીઓ ઉપરાંત કેન્સર, એલર્જી અને અવયવ પ્રત્યારોપણમાં પણ સહાયક સાબિત થઈ રહી છે.