Surendranagar તા.7
સુરેન્દ્રનગર જિલ્લાની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ગત માસે 179 પ્રસૂતિ નોંધાઈ હતી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તજજ્ઞો અને તબીબી સ્ટાફની ખુબ જ સારી મહેનત, સમર્પણ અને ટીમવર્ક દ્વારા કામ કરવાની ભાવનાથી આ ઉચ્ચ કક્ષાનું પરિણામ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકી છે.
મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હાલમાં હોસ્પિટલમાં લાયકાત અને અનુભવ ધરાવતા ચાર (04) સ્ત્રીરોગ નિષ્ણાત (વર્ગ-1) અને બે (02) એનેસ્થેટીસ્ટ (વર્ગ-1) સહિત અન્ય તમામ સ્ટાફ 24 ડ્ઢ 7 રાઉન્ડ ધ ક્લોક જનકલ્યાણ હિતાર્થે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યાં છે.
સરકારની `લક્ષ્ય’ અને `એનક્વાસ’ માર્ગદર્શિકા અનુસાર હોસ્પિટલ અને ખાસ કરીને લેબરરૂમ વિભાગની સ્વચ્છતા તેમજ દર્દીની સાર-સંભાળ બાબતે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે. સરકારશ્રી દ્વારા માતામરણ અને બાળમરણનું પ્રમાણ ઘટાડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે અનુસાર હોસ્પિટલ ખાતે માતા અને બાળકની સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વધુમાં, પ્રસૂતિ બાદ જરૂરિયાતમંદ નવજાત શિશુને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ખાતે જ.ગ.ઈ.ઞ. (સ્પેશ્યલ ન્યુ બોર્ન કેર યુનિટ) પણ કાર્યરત છે.
મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે દાખલ થઈ સારવાર મેળવતા તમામ દર્દીઓને વિનામૂલ્યે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ સારવાર મળે છે. દાખલ દર્દીઓને હોસ્પિટલ ખાતેથી જ પેશન્ટ ડ્રેસ (પોશાક) તથા શુધ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવે છે. સ્વચ્છતાના ભાગરૂપે દર્દીઓની ચાદર (બેડશીટ) અને પેશન્ટ ડ્રેસ (પોશાક) દરરોજ બદલાવવામાં આવે છે. સારવાર દરમ્યાન દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરતી કાળજી લેવામાં આવે છે, અને સારવાર મેળવતા દર્દીને 24 ડ 7 નિષ્ણાંત તબીબો અને તજજ્ઞોના નિરીક્ષણ હેઠળ સારવાર પુરી પાડવામાં આવે છે.
હોસ્પિટલના વડા તરીકે ફરજ બજાવતા ડો. ચૈતન્ય પરમાર, ઈ/ચા. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન (વર્ગ-1), પોતાના તમામ તબીબી સ્ટાફને દર્દીઓના હિતાર્થે ઉત્તમ કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને ખાનગી હોસ્પિટલમાં ખર્ચ કરવો ન પડે અને અહીં જ તમામ સુવિધાઓથી સજ્જ અને સંતોષકારક સારવાર વિનામૂલ્યે મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
હોસ્પિટલ દ્વારા જરૂરી તમામ નિષ્ણાત તબીબો, તજજ્ઞો અને ટેકનિકલ સ્ટાફ ઉપલબ્ધ રાખવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર હોસ્પિટલ સ્ટાફને સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ સાથે સુમેળભર્યું વર્તન કરવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
આમ, સરકારી હોસ્પિટલ ખાતે જ ખાનગી હોસ્પિટલ જેવી ઉત્તમ સારવાર, સ્વચ્છતા અને સ્ટાફનું સકારાત્મક વર્તન મળવાને કારણે હવે સુરેન્દ્રનગર જિલ્લાના લોકો સારવાર માટે ખાનગી હોસ્પિટલોને બદલે સરકારી હોસ્પિટલ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે, જે ખરેખર બિરદાવવા અને ગર્વ લાયક બાબત છે.

