Surendranagar , તા.7
મહાનગરપાલીકા અમલમાં આવ્યા બાદ પ્રથમ વખત મેયર બનવા માટે અનેક નેતાઓ મોટા સપના જોઇને બેઠા હતા એવામાં મેયરનું રોટેશન જાહેર થતા મનની મનમાં રહી ગઇ એવુ લાગી રહયુ છે.પ્રથમ અઢી વર્ષ માટે એસ.સી.અનામન અને બીજા અઢી વર્ષ માટે પછાત વર્ગ મહિલા મેયર બનાવવાની જાહેરાત કરાઇ છે.ત્યારે હવે પ્રથમ ટર્મમાં 3-4 આગેવાનોમાંથી કોના ઉપર કળશ ઢોળાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર નગરપાલીકામાંથી મહાનગરપાલીકા અમલમાં આવ્યા બાદ હાલ વહીવટદાર સાશન ચાલી રહયુ છે.વોર્ડના સીમાંકન જાહેર કરાયા બાદ ટુંકમાં ચૂંટણી આવવાની શકયતા દેખાતા વિવિધ જ્ઞાતીના અનેક ભાજપના આગેવાનો મેયર બનવાના સપના જોઇ રહયા હતા.એવામાં મેયરના પ્રથમ અને બીજા અઢી વર્ષમાં એક પણ વખત સામાન્ય ઉમેદવાર માટે અનામત જાહેર નહી થતા મેયર બનવાના સપના જોનારાની મનની મનમાં રહી ગઇ છે.બીજી તરફ એસ.સી.સમાજમાં આગળ પડતા નામી 3-4 આગેવાનોમાંથી ભાજપ કોને ટીકીટ આપે છે.
જીત્યા બાદ કોના ઉપર કળશ ઢોળાશે એની ઉપર સૌ નજર માંડીને બેઠા છે.સુરેન્દ્રનગર મહાનગરપાલીકામાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા એસ.સી.સમાજના વિશાલભાઇ જાદવ,હરીભાઇ સોલંકી,રાકેશભાઇ રાઠોડ અને પી.ડી.રાઠોડ પરીવાર માંથી કોઇ આવશે એવો અત્યારથી ગણગણાટ તેજ બન્યો છે.
સાથે પુરૂષના બદલે મહિલા ઉપર પણ પસંદગી ઉતારાય એવી શકયતા પણ દેખાઇ રહી છે.હવે ચૂંટણી જાહેર થયા બાદ એસ.સી.સમાજમાંથી કોને કોને ટીકીટ ફાળવાય છે એ પણ મહત્વનું છે.આમ સમગ્ર શહેરના અનેક નેતાઓ મેયર બનવા થનગની રહયા હતા પરંતુ એસ.સી. સમાજના પ્રથમ મેયર બનશે એવુ એસ.સી.સમાજના નેતાઓએ પણ વિચાર્યુ પણ નહોતુ ત્યારે પ્રથમ મેયર એસ.સી.સમાજ માટે અનામત જાહેર કરતા એસ.સી.સમાજના લોકોએ ભારે આનંદ વ્યકત કર્યો છે.
એસ.સી.સમાજમાંથી કોણ મેદાનમાં ઉતરશે
મેયર એસ.સી.સમાજના બનશે એટલે ચૂંટણી જાહેર થતાની સાથે જ એસ.સી.સમાજમાંથી ભાજપ અને એની સામેના પક્ષમાં કોણ કોણ પુરૂષ અને મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતરે છે એ ખુબ મહત્વનું છે.
પુર્વ ચેરમેન વિશાલભાઇ જાદવ અને પુર્વ સદસ્યના પતિ હરીલાલ સોલંકીએ જણાવેલ કે અમે વર્ષોથી શહેરીજનોની સેવા કરતા આવ્યા છીએ મેયરપદ એસ.સી.સમાજ માટે અનામત જાહેર થતા આનંદ થયો આગામી સમયમાં જે જવાબદારી મળશે એ નિષ્ઠાપુર્વક નિભાવીશું.
પુરૂષની જગ્યાએ મહિલા પણ મેયર બની શકે
પાટડી તાલુકા પંચાયતમાં પ્રમુખપદ માટે સામાન્ય સીટ જાહેર કરાયા છતાય પુરૂષની જગ્યાએ મહિલા પ્રમુખ બનાવાયા હતા બીજી તરફ સુરેન્દ્રનગરમાં મેયરની બીજી ટર્મમાં પણ મહિલા અનામત હોવાના કારણે પ્રથમ વખત મહિલાની જગ્યાએ પુરૂષ મેયરને તક મળી શકે છે.
સીટ ઓછી હોવાથી સામાન્યમાં પણ લડાવી શકે
સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના 13 વોર્ડના બાવન ઉમેદવારમાંથી એસ.સી.અનામતની પુરૂષ લડી શકે એવી ત્રણ જ સીટ હોવાથી ભાજપ સામાન્ય સીટ ઉપર પણ બીજા બે ઉમેદવાર લડાવી શકે છે કારણ ગર્ત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ રહી ચુકેલા બબુબેનના સમાજની એક જ સીટ જાહેર થઇ હતી ત્યાં ભાજપના બબુબેન હારીજાય તો કોંગે્રસના જીતેલાને પ્રમુખ બનાવવા પડે જેથી રાણાગઢની સામાન્ય સીટ ઉપર બબુબેન અને રળોલ સીટ બે ઉમેદવાર લડાવ્યા હતા.
સ્ટેન્ડિંગ,ટી.પી.સહિતની કમિટી ચેરમેન માટે હોડ લાગશે
મેયર બનવાની તો મનની મનમાં રહી ગઇ પરંતુ મેયર બાદ પાવરફુલ ગણાતા સ્ટેન્ડીંગ ચેરમેન, ટી.પી.ચેરમેન, સેનીટેશન ચેરમેન અને બાંધકામ ખાતા જેવા મહત્વના ચેરમેન બનવા માટે હોડ લાગશે.

