Jamnagar તા.7
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાંથી એક સાથે ત્રણ યુવતિ ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ધ્રોલ શહેર ઉપરાંત, લાલપુર (લતીપુર) અને ગરેડિયા ગામેથી યુવતિઓ જુદા-જુદા સમયે લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સગાસંબંધીઓ અને પાડોશીઓને પૂછપરછ કરવા જતાં યુવતિઓની ક્યાંય ભાળ ન મળતાં પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરાઇ છે. જેને લઇને હાલ પોલીસ આ ત્રણેય યુવતિઓની શોધખોળ હાથ ધરી છે.
પ્રથમ ગુમનોંધની વિગત અનુસાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લાલપુર ગામ (લતીપુર) ગામે હેતી દક્ષાબેન ચંદુભાઇ સરવૈયા (ઉ.વ.18) નામની યુવતિ ગત્ તા.30-9-2025 ના રોજ આઠેક વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કોઇને કંઇ કહ્યાં વગર જતી રહેલ હતી. જે આજ દિવસ સુધી મળી ન આવતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતાં અને પોલીસ ચોપડે ગુમનોંધ નોંધાવી છે.
બીજા બનાવમાં ધ્રોલ તાલુકાના જ નાના ગરેડિયા ગામમા રહેતી તૃષાબેન અમરશીભાઇ શિયાર (ઉ.વ.22) નામની યુવતિ ગત્ તા.23-9-2025 ના રોજ પોતાના ઘરેથી પ્રસંગમાં જવાનું કહી જતી રહેલ હતી જે આજ દિવસ સુધી પરત ન ફરતાં પરિવારજનોમાં પોલીસમાં ગુમ નોંધ નોંધાવી છે.
ત્રીજા બનાવમાં ધ્રોલ શહેરમાં ફુલવાડી રોડ ખાટકી વાસમાં રહેતી અલજીનાબાનુ રજાકભાઇ કોચલિયા (ઉ.વ.19) નામની યુવતિ ગત્ તા.11-8-2025 ના રોજ પોતાના ઘરેથી કોઇને કંઇ કહ્યાં વગર જતી રહેલ હતી. જે આજ દિવસ સુધી મળી ન આવતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતાં અને પોલીસ ચોપડે ગુમનોંધ નોંધાવી છે.