Mumbai,તા.07
ઑસ્ટ્રેલિયાએ ભારત સામેની વન-ડે અને T20 સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. બંને ટીમો મળીને ઑસ્ટ્રેલિયાએ કુલ પાંચ ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડ્યો છે. મિશેલ માર્શ બંને સીરિઝમાં ઑસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરશે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝમાં ત્રણ વન-ડે અને પાંચ T20I મેચ રમાશે. ઑસ્ટ્રેલિયાએ હાલમાં વન-ડે સીરિઝ અને T20I સીરિઝની પ્રથમ બે મેચ માટે ટીમની પસંદગી કરી છે.
ઑસ્ટ્રેલિયાની વન-ડે ટીમની ખાસ વાત એ છે કે 11 મહિના પછી મિચેલ સ્ટાર્કની વાપસી થઈ છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આ પહેલી વ્હાઈટ બોલ સીરિઝ હશે, જેમાં સ્ટાર્ક રમતો દેખાશે. સ્ટાર્ક ઉપરાંત મેટ રેનશૉ પણ વન-ડે ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. રેનશૉએ હજુ સુધી વન-ડે ડેબ્યૂ નથી કર્યું.ઑસ્ટ્રેલિયાએ વન-ડે સીરિઝ માટે 15 ખેલાડીઓની જાહેરાત કરી છે. બીજી તરફ T20I સીરિઝની પ્રથમ બે મેચ માટે 14 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયાએ છેલ્લી વ્હાઈટ બોલ સીરિઝ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, તેની તુલનામાં ભારત સામે પસંદ કરવામાં આવેલી ટીમમાંથી પાંચ ખેલાડીઓના પત્તાં કપાયા છે.
ઑસ્ટ્રેલિયાએ વન-ડે ટીમમાંથી ત્રણ ખેલાડીઓને બહાર કર્યા છે જેમાં, આરોન હાર્ડી, મેથ્યુ કુન્હેમેન અને માર્નસ લાબુશેનનું નામ છે. બીજી તરફ આ ત્રણ ખેલાડીઓની જગ્યાએ 4 ખેલાડી વન-ડે ટીમમાં જોડાયા છે, જેમાં સ્ટાર્ક, મિચેલ ઓવેન, મેટ રેનશૉ અને મેથ્યુ શોર્ટના નામ છે.
ભારત સામેની T20 સીરિઝ આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે, ઑસ્ટ્રેલિયાએ હાલમાં પ્રથમ બે T20 માટે ટીમ પસંદ કરી છે, જેમાં બે ખેલાડીઓને બહાર કર્યા છે. એલેક્સ કેરી અને જોશ ફિલિપ્સને ટીમમાં સ્થાન નથી મળ્યું, જ્યારે નાથન એલિસ અને જોશ ઈંગ્લિસને સામેલ કરવામાં આવ્યા છે.
ઑસ્ટ્રેલિયાની વન-ડે ટીમ
મિશેલ માર્શ (કેપ્ટન), જેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, નાથન એલિસ, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, બેન ડ્વારસુઈસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, મિશેલ ઓવેન, મેથ્યુ રેનશૉ, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા.
ઑસ્ટ્રેલિયાની T20 ટીમ
મિશેલ માર્શ (કેપ્ટન), સીન ઐબટ, જેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, બેન ડ્વારસુઈસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, મેથ્યુ કુન્હેમેન, મિશેલ ઓવેન, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝામ્પા.