Ahmedabad,તા.08
માતા-પિતા તેમના સંતાનોના જીવનમાં અને લગ્ન સહિતના નિર્ણયમાં કયા સુધી દખલ કરી શકે! અવારનવાર આ પ્રકારના પ્રશ્નો સર્જાય છે. પુખ્ત ઉમર થતા જ આપણા બંધારણે જે નિર્ણયોની તથા પસંદગીની સ્વતંત્રતા બક્ષી છે તે સ્વચ્છંદતરમાં અને કોઈ વિચાર્યા વગરના જીવનમાં પલટાય તો માતા-પિતા માટે પણ સામાજીક રીતે સંકોચભરી સ્થિતિમાં રહેવું પડે છે.
છુટાછેડા શબ્દ હજું આપણા સમાજમાં સહજ-સ્વીકાર્ય બન્યો નથી તથા એકલી રહેતી મહિલા વધુ અને કંઈક અંશે એકલા પુરૂષને પણ શંકાની નજરે જોવામાં આવે છે તે સમયે ગુજરાત હાઈકોર્ટે આ પ્રકારના એક કેસમાં માતા-પિતા માટે થોડી રાહત થાય તેવા આદેશ આપ્યા છે.
ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં એક 42 વર્ષીય મહિલાએ તેના માતા-પિતા સામે નોંધાવેલી ફરિયાદ પર હાલ કોઈ પગલા નહી લેવા ગુજરાત હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો.
પુત્રીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયુ હતું કે, તેના માતા-પિતા તેના જીવનમાં સતત દખલ કરે છે તેની પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરતા અટકાય છે અને તેના માટે આવીને અપમાનથી કરે છે.
તેથી તેમની સામે પોલીસ પગલાની માંગ કરી હતી. માતા-પિતા તથા નાનીબહેન સામે ફરિયાદ નોંધાવનાર આ મહિલાના માતા-પિતા ભોપાલ રહે છે અને તેઓ અમદાવાદ આવીને તેને પરેશાન કરતા હોય તેવું જણાવ્યું હતું તથા તેને ચારીત્ર્યહીન પણ ચિતરી રહ્યા છે.
આ મહિલાના 2004માં લગ્ન થયા બાદ પતિ સાથે વિવાદ થતા તેનું ઘર છોડી દીધુ હતુ પછી તેના માતા-પિતાએ સમાધાન કરાવવા પ્રયાસ કર્યા તે નિષ્ફળ નિવડયા હતા અને 2024માં તેઓને છુટાછેડા મળ્યા બાદ આ મહિલા તેના બીઝનેસ પાર્ટનર સાથે લગ્ન કરવા માંગે છે પણ તેના માતા-પિતા વિરોધ કરે છે અને તેના ઘરે આવીને ધમાલ કરે છે ફોન પર પણ સતત પરેશાન કરે છે.
માતા-પિતાએ મિલ્કતમાંથી પણ તેને બેદખલ કરવાની જાહેરાત અખબારોમાં અપાવી છે. જો કે આ ફરિયાદ સામે માતા-પિતા હાઈકોર્ટમાં ગયા અને તેમની સામેની એફઆઈઆર રદ કરવા માંગ કરી હતી.
તેમના ધારાશાસ્ત્રીએ પુત્રીની લાઈફ સ્ટાઈલ સામે વાંધો છે અને વિવાદ તેના કારણે જ હોવાનું દર્શાવ્યુ હતુ પણ કોઈ સતામણી કે હેરાનગતિ કરતા નહી હોવાનો બચાવ કર્યો હતો.
આ અંગે ન્યાયમૂર્તિ નિર્ઝર દેસાઈએ પોલીસ તથા ફરિયાદી (પુત્રી)ને નોટીસ પાઠવી છે પણ માતા-પિતા સામે કોઈ પગલા નહી લેવા પોલીસને આદેશ આપ્યા છે તથા 28 નવે. વધુ સુનાવણી યોજી છે.