Himachal,તા.8
ભારે બરફવર્ષાના કારણે લાહુલથી દારચામાં ખાદ્ય સામગ્રી અને સેનાના માલ-સામાન લઈ જઈ રહેલા 250થી વધુ વાહનો ફસાઈ ગયા છે. લેહથી મનાલી આવી રહેલ વાહન ચાલક અપસી અને સરચુમાં, જાંસ્કરથી મનાલી આવનારા વાહન કર્ગેયામાં જયારે કાજાથી મનાલી આવતા વાહન લોસરમાં ફસાયા છે. બેથી 8 ફુટ સુધી બરફવર્ષા થવાથી પાગી ખીણનો સંપર્ક કટ થઈ ગયો છે.
સીમલા જિલ્લાના ચાંશલ પીક પર સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. લાહુલ, કોકસર, મઢી, ગુલાબા, અટલ ટનલ, ધુંધી, ફાતરુ, અંજની મહાદેવ પર્યટન સ્થળમાં ભારે બરફવર્ષા થઈ છે. કેલંગમાં 20 અને કુકુસચેટીમાં 5.6 સેન્ટીમીટર બરફવર્ષા થઈ છે.
પર્યટન સ્થળ રોહતાંગ બરફવર્ષાના કારણે પર્યટકો માટે ત્રીજા દિવસે પણ બંધ રહ્યું હતું. બરફવર્ષાના કારણે રાજયમાં ખેતીની લણણીને પણ અસર થઈ છે. કિન્નારે અને લાહુ સ્પીતિમાં વરસાદ અને ઠંડી વધવાથી સફરજનનો ઉતાર કરવાને અને બટેટાના પાકને અસર થઈ છે.
રાજયમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ બિલાસપુરના બરઠીમાં લગભગ 80 મિલીમીટર નોંધાયો છે. અધિકતમ તાપમાનમાં સૌથી વધુ ઘટાડો ધર્મશાલામાં 6.1 ડીગ્રી થયો છે.