New Delhi તા.8
ટેરિફવોર સહિતના અનેકવિધ પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રનો ડંકો વાગી જ રહ્યો છે. જીએસટી ઘટાડા બાદ છેલ્લા પખવાડીયામાં ભારતનાં કારોબારમાં અભૂતપૂર્વ વૃધ્ધિ જોવા મળી છે.ત્યારે વિશ્વ બેંકે ભારતીય અર્થતંત્ર વધુ છલાંગ લગાવશે તેવું ભવિષ્ય ભાખીને વૃધ્ધિદરનું અનુમાન વધાર્યું છે.
વિશ્વ બેંકે ચાલુ નાણાંકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન 6.3 ટકાથી વધારીને 6.5 ટકા કરી દીધુ છે. ભારતમાં ડીમાંડ સતત વધી રહી છે. પરિણામે અર્થતંત્ર વધુ મજબુત બનતુ રહેશે અને દુનિયાની સૌથી ઝડપી ગતિનો વિકાસ પામતી અર્થવ્યવસ્થાનુ સ્થાન જાળવી રાખશે.
રિપોર્ટમાં જોકે એવી પણ લાલબતી ધરવામાં આવી છે કે, અમેરિકાએ ભારતીય પ્રોડકટ પર લાગુ કરેલા 50 ટકા ટેરિફની અસર આવતા વર્ષમાં જોવા મળશે. 2026-27 નાં નાણાવર્ષ માટે વિકાસદરનું અનુમાન 65 ટકાથી ઘટાડીને 6.3 ટકા કરવામાં આવ્યું છે.
વર્લ્ડ બેંકનાં નવા રિપોર્ટ મુજબ લોકલ પરિસ્થિતિ ખાસ કરીને કૃષિ ઉત્પાદન તથા ગ્રામીણ રોજગારી-મજુરીમાં વૃદ્ધિ અપેક્ષા કરતા પણ વધુ છે. જીએસટીમાં કરાયેલા સુધારાથી અર્થતંત્રને વધુ મદદ મળશે.
2026-27 માટે આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડવા પાછળનું કારણ અમેરિકી ટેરીફ હોવાનું દર્શાવવામાં આવ્યા છે. ભારત જ નહિં સમગ્ર દક્ષિણ એશીયામાં વિકાસદર 2025 ના 6.6 ટકાથી ઘટીને 2026 માં 5.8 ટકા પર આવી જવાનું અનુમાન દર્શાવાતુ હતું.