પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યના અવસાનથી અમરેલી સહિત સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળમાં શોકની લાગણી
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૭ઃ
Amreli જિલ્લાના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા કોંગ્રેસના પીઢ આગેવાન, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ કેશવભાઈ ઠુમ્મરનું આજે નિધન થતાં અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. જાહેર જીવનમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર વીરજીભાઈ ઠુમ્મરના અવસાનના સમાચારથી કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તથા તેમના સમર્થકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
વીરજીભાઈ ઠુમ્મરના નિધનના સમાચાર પ્રસરી જતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ તથા તેમના શુભેચ્છકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ઉપરાંત રૂબરૂ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવાનો સિલસિલો શરૂ થયો છે. પીઢ રાજકીય આગેવાનના અવસાનથી અમરેલીના જાહેર જીવનમાં એક શૂન્ય સર્જાયું છે.
વીરજીભાઈ ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે ૫૩૦ કલાકે અમરેલીના માણેકપરા ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી કોંગ્રેસના ધ્વજમાં સ્વ.ઠુંમરના મૃતદેહને ઓઢાડી નીકળી હતી. અને બાયપાસ રોડ ઉપર આવેલ કૈલાશ મુક્તિધામ ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી. સ્વ. વીરજીભાઈ ઠુંમ્મરની અંતિમયાત્રામાં પરિવારજનો, કોંગ્રેસના આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, ઠાકરશીભાઈ મેતલીયા, પ્રતાપ દુધાત, ભાજપના પૂર્વ સાંસદ નારણભાઇ કાછડીયા તથા કોંગ્રેસના કાર્યકરો, રાજકીય-સામાજિક અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, શુભેચ્છકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મે ૧૯૫૯ના રોજ જન્મેલા વીરજીભાઈ ઠુમ્મરે બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૦માં થઈ હતી. બાબરા-કુંકાવાવ વિધાનસભા બેઠક પરથી જનતા દળના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૯૫માં આ જ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
વીરજીભાઈ ઠુમ્મરની રાજકીય સફરનો સૌથી મહત્વનો પડાવ વર્ષ ૨૦૦૪માં આવ્યો હતો. અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી વિજય મેળવતા તેઓ લોકસભામાં અમરેલીનું પ્રતિનિધિત્વ કરનાર સાંસદ બન્યા હતા. ૧૪મી લોકસભામાં તેમણે અમરેલીના પ્રશ્નોને સંસદ સુધી પહોંચાડ્યા હતા.
ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં લાઠી-બાબરા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજય મેળવી તેઓ ફરી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ લાઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. આમ, ત્રણ દાયકાથી વધુના જાહેર જીવન દરમિયાન ધારાસભ્ય, સાંસદ સહિતની વિવિધ જવાબદારીઓ સંભાળી તેમણે અમરેલી જિલ્લાના રાજકારણમાં આગવું સ્થાન બનાવ્યું હતું.
રાજકારણની સાથે સહકારી ક્ષેત્રમાં પણ વીરજીભાઈ ઠુમ્મરનું મહત્વનું યોગદાન રહ્યું હતું. તેઓ કુંકાવાવ નાગરિક સહકારી બેન્કના સ્થાપક પ્રમુખ તરીકે રહ્યા હતા. આ ઉપરાંત વાવડી રોડ સેવા સહકારી મંડળીના ચેરમેન તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત ઇફકો તથા ક્રિભકો જેવી મહત્વની સહકારી સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા હતા.
ખેડૂતો, સહકારી ક્ષેત્ર, સ્થાનિક વિકાસ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને વીરજીભાઈ ઠુમ્મર જાહેર જીવનમાં સતત સક્રિય રહ્યા હતા. ધારાસભ્ય અને સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમજ ત્યારબાદ પણ તેઓ સ્થાનિક પ્રશ્નોને વાચા આપતા રહ્યા હતા. તેમની તેજાબી વક્તૃત્વશૈલી અને રાજકીય મુદ્દાઓ પર સ્પષ્ટ અભિપ્રાય માટે પણ તેઓ જાણીતા હતા.

