Surendranagar તા.8
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાની 17 વર્ષીય ઝુવેરિયાબાનુ ઐયુબખાન ખોખરે પંજાબના પટિયાલા ખાતે ડબલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ સાથે તેણે સિંગલ ટ્રેપમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નેશનલ સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું છે.
પટિયાલાના મોતીબાગ ગન ક્લબ ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા જી.વી. માવલંકર પ્રિ-નેશનલ ટુર્નામેન્ટમાં ઝુવેરિયાબાનુએ ડબલ ટ્રેપ શૂટિંગ યુથ વુમન સ્પર્ધામાં 27/60ના સ્કોર સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. આ પ્રદર્શનથી તેણે સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. તે સિંગલ ટ્રેપ શૂટિંગમાં પાંચમો ક્રમાંક મેળવીને નેશનલ સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ છે.
આગામી દિવસોમાં દિલ્હી ખાતે યોજાનારી નેશનલ સ્પર્ધામાં ભાગ લેશે.આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ 176 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઝુવેરિયાબાનુ છેલ્લા ત્રણ વર્ષથી સ્ટેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, જ્યાં તેણે ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે.
આ ઉપરાંત, તેણે 141મી ઓપન ઈન્ડિયા ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ અને ખેલ મહાકુંભમાં ડબલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ગુજરાત રાજ્ય માટે પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.નોંધનીય છે કે ઝુવેરિયાબાનુનો 15 વર્ષનો નાનો ભાઈ ઝીશાનખાન ઐયુબખાન ખોખર પણ એક અઠવાડિયા અગાઉ ભોપાલ ખાતે ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી નેશનલ માટે ક્વોલિફાય થયો હતો. તેણે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે જુનિયર કેટેગરીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેણે ડબલ ટ્રેપ શૂટિંગમાં 32/60 અને સિંગલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં 35/50નો સ્કોર બનાવ્યો હતો.