New Delhi, તા.8
સોના-ચાંદીની એકધારી તેજીની અસર હવે સપ્લાય પર પડવા લાગી હોય તેમ રાજકોટ સહિતના શહેરોમાં અછતની હાલત ઉભી થવા લાગી છે અને પ્રિમીયમ ડબલ થઇ ગયા છે. વિશ્વના અનેક દેશોમાં ફિઝીકલ ચાંદીની અછત વર્તાવા લાગી હોવાના નિર્દેશો સાંપડયા છે. વધતા ભાવની સાથોસાથ ઔદ્યોગિક ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડમાં મોટા વધારાની અસર છે.
સિલ્વર માર્કેટના સુત્રોએ જણાવ્યું છે કે, વધતી ડિમાન્ડ અને એકધારી તેજી વચ્ચે કેટલાક દિવસોથી ફિઝીકલ ચાંદીમાં અછત જોવા મળી રહી છે. મોટા જથ્થામાં ખરીદી થવાના સંજોગોમાં મુશ્કેલી છે. આયાતી માલ આવતો ન હોવાથી આ હાલત હોવાનું મનાય છે. રીટેલ કે રેગ્યુલર ખરીદીમાં કોઇ ખાસ વાંધો નથી પરંતુ પ્રવર્તમાન હાલત યથાવત રહેવાના સંજોગોમાં આવતા દિવસોમાં અછતની સ્થિતિ વધુ વકરી શકે તેમ છે.
અછતની સ્થિતિને કારણે ફિઝીકલ સિલ્વર પરનું પ્રિમીયમ 8,000 રૂપિયા જેવું થઇ ગયું છે. સામાન્ય રીતે કોમોડીટી એકસચેંજની સરખામણીએ હાજરમાં 3 કે 4 હજારનું પ્રિમીયમ રહેતું હતું જે હવે 8,000ના સ્તરે પહોંચી ગયું છે. ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે અને કયાં પહોંચશે તે વિશે આગાહી કરવાનું પણ નિષ્ણાંતો ટાળી રહ્યા છે. તેવા સમયે અછતની સ્થિતિ આવતા દિવસોમાં વકરી શકે છે.
કોમોડીટી માર્કેટના સુત્રોના કહેવા પ્રમાણે માત્ર રાજકોટ કે મોટા શહેરો જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ફિઝીકલ ચાંદીમાં તંગી સર્જાઇ રહ્યાના નિર્દેશો સાંપડયા છે. સપ્લાય ધીમી છે અને તેની સામે ડિમાન્ડ સતત વધી રહી છે. ચાંદીનું ઉત્પાદન સ્થિર છે તેની સામે ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં ડિમાન્ડ વધતી જાય છે. સાથોસાથ તેજીને કારણે નવી ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ નીકળી હોવાથી માર્કેટ પર પ્રેસર વધી ગયું છે.
નિષ્ણાંતોએ જોકે એમ જણાવ્યું હતું કે, વર્ષોથી ડિમાન્ડ સપ્લાય વચ્ચેનો ગેપ વધતો રહ્યો હતો અને હવે તે સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ચાંદીનું ઉત્પાદન મર્યાદિત છે એટલે ડિમાન્ડ વધે તેની સામે ઉત્પાદન વધે તેવું જરૂરી નથી.
બીજી તરફ ચાંદીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. સોલાર પેનલ ક્ષેત્રમાં જ વર્ષે 140 મીલીયન ઔન્સની ડિમાન્ડ છે આ સિવાય ઇલેકટ્રીક વ્હીકલ, સેમી કંડકટર નવા નવા ઇલેકટ્રોનિક સંસાધનોમાં પણ ડિમાન્ડ વધી રહી છે. તબીબી ક્ષેત્રમાં પણ ચાંદીનો વપરાશ વધુ છે. સૌથી મોટી બાબત તેજીના ટ્રેન્ડના કારણે વધેલી ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે.
સિલ્વર ઇન્સ્ટીટયુટના રીપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષથી સપ્લાય સામે ડિમાન્ડમાં અંતર વધી રહ્યું છે. 2020માં 8% ખાધ હતી જે 2023માં 20%એ પહોંચી હતી. 2024માં 22% થઇ હતી. ચાલુ વર્ષે પણ આંકડો ઘણો મોટો રહેવાનો અનુમાન છે.