Washington, તા.9
ભારતીય ફાર્મા કંપનીઓને અમેરિકાના ટેરિફ ડામમાંથી આંશિક રાહત મળવાના સંકેત છે જે અંતર્ગત જેનેરિક દવા પર પણ ટેરિફ ઝીંકવાની યોજના પડતી મુકવામાં આવી છે. અમેરિકામાં 50 ટકા જેનેરિક દવા જ વેચાય છે. લોકલ નાગરિકોને પણ રાહત મળી શકશે.
અમેરિકન માર્કેટમાં સૌથી વધુ જેનેરિક દવા ભારતમાંથી આયાત થાય છે. અમેરિકામાં વેચાતી જેનેરિક દવામાંથી 47 ટકા યોગદાન માત્ર ભારતીય કંપનીઓનું છે તેના પર ટેરિફ નહીં નાખવાનો નિર્ણય ટ્રમ્પ તંત્રને મોટી પીછેહઠ રૂપ ગણવામાં આવે છે. ફાર્મા કંપનીઓ પર ટેરિફના નિર્ણય વખતે જેનેરિક તથા બ્રાન્ડેડ ઉપરાંત ડ્રગના ફોર્મેશન-માલને પણ આવરી લેવાનુ નકકી કરાયુ હતુ.
દવા પર ટેરિફ મામલે ટ્રમ્પ શાસનમાં જબરો આંતરિક વિવાદ પણ સર્જાયો હતો. કટ્ટરવાદીઓએ દવા ઉત્પાદન અમેરિકામાં જ વધારવા ટેરિફ જરૂરી ગણાવ્યા હતા. પરંતુ બીજા વર્ગે આ પગલાથી દવાના ભાવ વધી જવાની અને અછત સર્જાવાની ચેતવણી આપી હતી એટલુ જ નહી. જેનેરિક દવા સસ્તી હોવાથી ટેરિફનો કોઈ ફાયદો નહીં થવાની અને અમેરિકી ઉત્પાદકો તેમાં રસ નહીં લ્યે તેની દલીલ પેશ કરી હતી.
અમેરિકી ટેરિફને કારણે ટ્રમ્પને આંતરિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ચીને અમેરિકી કૃષિપેદાશો ખરીદવાનુ બંધ કરતા અમેરિકી ખેડુતોને રક્ષણ આપવા 16 અબજ ડોલરનું પેકેજ જાહેર કરવુ પડયુ છે.
આ કદમથી અમેરિકનોમાં પણ આક્રોશ સર્જાયો છે અને સોશ્યલ મીડીયામાં ભારે ટીકા થવા લાગી છે. આ સ્થિતિ ટાળવા માટે જેનેરિક દવાને ટેરિફના ડામમાંથી મુક્ત રાખવાનુ નકકી થયુ છે.