New Delhi,તા.09
બુધવારે કેરળ હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પર સખત ટિપ્પણી કરતાં કહ્યું કે, વાયનાડમાં 2024માં આવેલા ભૂસ્ખલનના પીડિતો પ્રત્યે કેન્દ્રની ભૂમિકા લગભગ નિષ્ફળ રહી છે. કેન્દ્ર સરકારે પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરીને આ પીડિતોની લોન માફ કરવા માટે કોઈ પગલું ન ભર્યું, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને હતાશાજનક છે.
ન્યાયમૂર્તિ એ. કે. જયશંકરન નામ્બિયાર અને ન્યાયમૂર્તિ જોબિન સેબેસ્ટિયનની ખંડપીઠે ટિપ્પણી કરીને બેન્કોને નિર્દેશ આપ્યો કે તેઓ આગામી સુનાવણી સુધી વાયનાડ ભૂસ્ખલન પીડિતો સામેની કોઈપણ લોન વસૂલાતની કાર્યવાહી અટકાવી દે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન અને નિવારણ સુધારવા માટે કોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને આ જનહિત અરજી દાખલ કરી હતી.
કોર્ટે સ્પષ્ટતા કરી કે બેન્કો દ્વારા અપનાવવામાં આવતી ‘શાયલોકિયન પદ્ધતિઓ’ (નિર્દય વસૂલાતની રીતો) દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સ્વીકાર્ય નથી. બેંચે કેન્દ્રના તર્કને અસ્વીકાર્ય ગણાવ્યો કે તે લોન માફીના મામલામાં શક્તિવિહીન છે, કારણ કે બંધારણના અનુચ્છેદ 73 હેઠળ કેન્દ્ર પાસે વ્યાપક સત્તાઓ હાજર છે.
કોર્ટે કહ્યું કે, જ્યારે કેન્દ્ર પોતે જ આ ભૂસ્ખલનને ગંભીર આપત્તિ માને છે, ત્યારે તેની ફરજ છે કે તે પીડિતોના જીવન અને ગરિમાની સુરક્ષા સુનિશ્ચિત કરે. બેંચે આગળ કહ્યું કે, આ બાબત ત્યારે વધુ સ્પષ્ટ બને છે જ્યારે સમાચાર દ્વારા જાણવા મળે છે કે કેન્દ્ર સરકારે 2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને વધારાની કેન્દ્રીય સહાય તરીકે 707 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, વાયનાડના પીડિતો માટે લોન માફી તરીકે માંગવામાં આવેલી નાણાકીય રાહત આ મંજૂર કરાયેલી રકમનો એક નાનો હિસ્સો માત્ર છે.
કોર્ટે જણાવ્યું કે ભારતના સંઘીય માળખાના સિદ્ધાંતો કોઈપણ રાજ્યના નાગરિકો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહારને મંજૂરી આપતા નથી. ખંડપીઠે સ્પષ્ટતા કરી કે, ‘રાજકીય મતભેદો બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકારોની રક્ષાને અસર ન કરી શકે.’ અહીં મુખ્ય મુદ્દો વાયનાડના પીડિતોના સન્માનજનક જીવનના અધિકારનો છે.
ખંડપીઠે જણાવ્યું કે, જે ખેડૂતો અને નાગરિકોએ કૃષિ અથવા તેના સંબંધિત હેતુઓ માટે લોન લીધી હતી, પરંતુ જેમની સંપત્તિ ભૂસ્ખલનમાં નાશ પામી છે, તેમની પાસેથી લોન વસૂલવી તે તેમની ગરિમાનું અપમાન છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે આવી ગંભીર સ્થિતિમાં પણ સત્તાનો ઉપયોગ ન કરવો, તે કેન્દ્ર સરકારની નૈતિક અને બંધારણીય જવાબદારીમાંથી પીછેહઠ કરવા સમાન છે.
કોર્ટે SBI, કેનરા બેન્ક, PNB, બેન્ક ઓફ બરોડા સહિત 12 બેન્કોને પક્ષકાર બનાવતાં આગામી સુનાવણી સુધી વસૂલાતની કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો. બેન્કોને પૂછવામાં આવ્યું છે કે તેઓ લોન સંપૂર્ણ કે આંશિક રીતે માફ કરવા તૈયાર છે કે નહીં. જો માફી નહીં આપે તો તેમણે લોન કરારના આધારે સ્પષ્ટ ખુલાસો રજૂ કરવો પડશે.
કોર્ટે આ મામલાની આગામી સુનાવણી 29 ઓક્ટોબરે રાખી છે. ઉલ્લેખનીય છે કે, 30 જુલાઈ 2024ના રોજ વાયનાડના મુંડક્કાઇ અને ચૂરાલમાલામાં આવેલા ભીષણ ભૂસ્ખલનથી 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા, સેંકડો ઘાયલ થયા અને 32 લોકો લાપતા છે.