New Delhi,તા.09
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુએ જૂતા ફેંકવાની ઘટના માટે ભારતના ચીફ જસ્ટિસ બીઆર ગવઈને જ જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, જજોએ કોર્ટમાં ઓછું બોલવું જોઈએ અને પ્રવચન ન આપવા જોઈએ. 72 વર્ષીય વકીલ રાકેશ કિશોરે કોર્ટમાં જ ચીફ જસ્ટિસ ગવઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. કિશોરે દાવો કર્યો હતો કે, CJI દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી હું દુ:ખી હતો.
પૂર્વ જજ કાત્જુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘હું CJI પર જૂતા ફેંકવાની ઘટનાની નિંદા કરું છું, પરંતુ તેમણે ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સાથે સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે તેમણે પોતે જ આ ઘટનાને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘તમે કહો છો કે તમે વિષ્ણુના મોટા ભક્ત છો. તો જાઓ અને તમારા દેવતાને કહો કે, તમે ખુદ જ કંઈક કરો. જાઓ અને પ્રાર્થના કરો.’71 વર્ષીય વકીલે મીડિયા સાથે વાતચીતમાં માફી માગવાનો ઇન્કાર કરતાં જણાવ્યું હતું કે, લાખો કેસ પેન્ડિંગ છે. હું માફી માગવાનો નથી, મને આ વાતનો જરાય પસ્તાવો નથી. મેં કંઈ જ ખોટું કર્યું નથી. તમને સવાલ કરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં આ સર્વશક્તિમાને જ મને આમ કરવા મજબૂર કર્યો. તેમણે શા માટે મૂર્તિની મજાક કરી. તેમની આ મજાકથી મારી લાગણી દુભાઈ છે.
ચીફ જસ્ટિસની કોર્ટમાં કોઈ એક PIL પર ગવઈ સાહેબે મજાક ઉડાવતાં મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. CJIએ વિચારવું જોઈએ કે, તેઓ બંધારણના સર્વોચ્ચ પદ પર બેઠા છે. તેમણે ‘મીલોર્ડ’નો અર્થ સમજવો જોઈએ અને તેનું માન જાળવવું જોઈએ. તમે મોરિશિયસ જાઓ અને કહો કે, દેશ બુલડોઝર સાથે નહીં ચાલે. હું CJIને પૂછવા માગું છું કે, સરકારની સંપત્તિ પર કબજો કરનારાઓ વિરુજદ્ધ યોગીજીનું બુલડોઝર ચાલે તેમાં ખોટું શું છે? મને ખૂબ આઘાત લાગ્યો છે.
બેંગલુરુ પોલીસે કિશોર વિરુદ્ધ FIR નોંધી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઓલ ઈન્ડિયા એડવોકેટ્સ એસોસિએશનના અધ્યક્ષ ભક્તવચલાની ફરિયાદ બાદ રાકેશ કિશોર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 132 (લોક સેવકને તેમની ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો અથવા ગુનાહિત બળ) અને 133 (ગંભીર ઉશ્કેરણી ઉપરાંત અન્ય કારણોથી કોઈ વ્યક્તિનું અપમાન કરવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો પ્રયોગ) હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.