New Delhi,તા.09
કફ સિરપ પીધા પછી 22 બાળકોના મોતથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નિર્દોષ બાળકો માટે કફ સિરપ કેટલી સલામત છે તે પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે, ભારતીય અધિકારીઓને પૂછ્યું છે કે, શું બાળકોને આપવામાં આવેલી કફ સિરપની અન્ય દેશોમાં નિકાસ થાય છે? કોલ્ડ્રિફ નામની કફ સિરપ પર WHO એ આ સવાલ કર્યો છે. તપાસમાં સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ (DG) નું વધુ પ્રમાણ હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં, ઇથિલિન ગ્લાયકોલ (EG) નું પણ વધુ પ્રમાણ મળી આવ્યું છે.
ભારતીય અધિકારીઓ તરફથી જવાબ મળ્યા પછી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન નક્કી કરશે કે ગ્લોબલ મેડિકલ પ્રોડક્ટ્સ માટે એલર્ટ જારી કરવું કે નહીં. ગ્લોબલ સંસ્થા ખામીયુક્ત પ્રોડક્ટ્સ માટે એલર્ટ જારી કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, મધ્યપ્રદેશમાં આ કફ સિરપ પીધા પછી 22 બાળકોના મોત થયા છે, અને પાંચની હાલત ગંભીર છે.વધુમાં, રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાંથી ત્રણ મૃત્યુ નોંધાયા છે. સૂત્રો અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પૂછપરછ કરી છે કે શું આવી સિરપની અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવી છે. જો એમ હોય, તો એક એડવાઈઝરી જાહેર કરવામાં આવશે. યુરોપિયન યુનિયન દ્વારા પણ આ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કોઈપણ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ બજારમાં રજૂ કરતા પહેલા પૂરતી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એજન્સીએ એમ પણ જણાવ્યું છે કે કેટલાક નિરીક્ષણોમાં ખામીઓ રહી છે. એજન્સીએ તમામ પ્રોડક્ટ્સને બજારમાં રજૂ કરતા પહેલા દરેક બેચનું સંપૂર્ણ નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસના સંદર્ભમાં ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ મૃત્યુ છિંદવાડા જિલ્લામાં નોંધાયા છે.