New Delhi,09
દેશમાં વ્યાજદર સસ્તા કર્યા બાદ અને જે રીતે અર્થતંત્રમાં પણ વેગ આવ્યો છે તે જોતા આગામી સમયમાં બેન્ક ધિરાણની માંગ પણ વધે તેવા સંકેત છે તે વચ્ચે રિઝર્વ બેન્કે એક તરફ વિવિધ ધિરાણ માટેના જોખમ આધારીત બેન્કોને જે વધારાના નાણાનું પ્રોવિઝન કરવું પડે છે તેમાં રાહત આપવા નિર્ણય લીધા છે.
તો બીજી તરફ તમામ ધિરાણના જોખમ-વર્ગીકરણમાં ફેરફાર કરીને બેન્કોને લોન ડિફોલ્ટ-એનપીએની સ્થિતિનો કોઈ મોટો સામનો કરવો પડે નહી તે પણ નિશ્ચિત કર્યુ છે જેથી બેન્કોને ધિરાણ કરતા સમયે લોન લેનારની ક્રેડીટ હીસ્ટ્રી પણ જાળવવામાં સરળતા મળશે.
આમ ધિરાણ લેનારની જે ક્રેડીટ સ્કોર કે ક્રેડીટ પ્રોફાઈલ જોવા મળતી હતી તે વધુ પારદર્શક બનશે જે રીસ્ક પ્રોફાઈલ તરીકે ઓળખાશે. બેન્કોને ક્રેડીટ કાર્ડ, હોમલોન, કોર્પોરેટ લોન, રીયલ એસ્ટેટમાં કુલ ધિરાણ અને એમ.એસ.એમ.ઈ. ધિરાણમાં વધુ ભંડોળ મળશે. સાથોસાથ ધિરાણ લેનારની ક્રેડીટ હિસ્ટ્રી પણ સારી રીતે બેન્ક નિશ્ચિત કરી શકશે.
ક્રેડીટ કાર્ડ વપરાશ કરનારે તેના ડયુ 12 માસ સુધીમાં નિયમીત ભરપાઈ કર્યા હોય તો તેને પુનઃ ધિરાણ આપવામાં બેન્કોએ હવે 75%ના વેઈટેજ મુજબ પ્રોવિઝન કરવું પડશે. પહેલા આ 125% હતું. આમ જો ક્રેડીટ કાર્ડ લેનાર નિયમીત હશે તો બેન્ક તેને સરળતાથી વધુ ક્રેડીટ કાર્ડ ધિરાણ આપશે.
બેન્કોએ તેની પાછળ જોખમ આધારીત ભંડોળ પણ ઓછું રાખવું પડશે. જયારે અન્ય ક્રેડીટ કાર્ડ ઉપયોગ કરનાર જેની ક્રેડીટ હીસ્ટ્રી યોગ્ય ન હોય તેને માટે 125%નું પ્રોવિઝન કરવું પડશે. આ નવી જોગવાઈ એપ્રિલ 2027થી લાગુ કરવાની રિઝર્વ બેન્કની યોજના છે.
હોમલોનમાં રિઝર્વ બેન્કે જોખમને લોનની રકમ સામે (લોન-ટુ-વેલ્યુ) જોડી દીધુ છે તથા કેટલું હોમ લોન ધિરાણ છે તેના આધારિત હશે. ઉપરાંત જે તે ધિરાણ લેનારની હાઉસીંગ લોન કેટલી છે તે પણ નિશ્ચિત કરશે.
જો લોન-ટુ વેલ્યુ રેશીયો 80% ઉપર હોય તો બેન્કનું પ્રોવિઝન 20થી40% હશે જે અગાઉ 50% હતું અને તે બે હાઉસીંગ લોન સુધી મર્યાદીત હશે. ત્રીજી હાઉસીંગ લોનમાં તે 60% થઈ જશે અને જો ધિરાણ રૂા.3 કરોડથી વધુ હોય તો પ્રોવિઝન 5% વધી જશે. હાલ હાઉસીંગ લોન 35થી50%નું પ્રોવિઝન ધરાવે છે.
જયારે પર્સનલ લોન જેમાં શિક્ષણ લોનનો સમાવેશ થતો નથી તે ઉપરાંત હાઉસીંગ- વાહન લોન જો એક વ્યક્તિનું હોય તો પ્રોવિઝન 125% થશે. આ નવા પરિણામે બેન્કોને ધિરાણ માટે વધુ ભંડોળ મળશે તો કોર્પોરેટ લોનમાં જે કંપનીનું રેટીંગ બીબીબી હોય તેના માટે પ્રોવિઝન 100% હતુ તે ઘટાડીને 75% કરાયુ છે પણ જો ધિરાણ રૂા.200 કરોડ કે તેથી વધુનું હોય અને અગાઉ કરતા રેટીંગ નબળુ હોય તો જોગવાઈ 150% વેઈટેજ મુજબ થશે.
જયારે એ એ રેટીંગ ધરાવતા કોર્પોરેટ ગૃહ માટે 20% રીસ્ક ફેકટર હશે. આ જ રીતે રીયલ એસ્ટેટમાં રિસ્ક વેઈટેજ 150% માંથી ઘટાડીને 100-125% કરાયુ છે. રહેણાંક પ્રોજેકટમાં તે 75% રહેશે. લઘુ-ઉદ્યોગોને 100%માથી ઘટાડી 75% અને 75% સુધી નીચું કરી શકાશે.