Surendaranagar , તા.9
ગુજસીટોક કાયદાનો હેતુ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવાનો કે સામાન્ય જનતાને ડરાવવાનો છે કે, કેમ? આજે ગુજરાતમાં એક પછી એક નવા કાયદા ઘડીને અમલમાં મૂકાઈ રહ્યા છે. કાયદાનો હેતુ ગુનાખોરી રોકવાનો હોવો જોઈએ, પરંતુ વાસ્તવિકતા તેની વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. આજે આરોપીઓની જગ્યાએ સામાન્ય નાગરિક જ કાયદાની તલવાર નીચે આવી રહ્યો છે.
ગુજસીટોક કાયદો બનાવવામાં આવ્યો તે સમયે આશા હતી કે દારૂ, જુગાર, હપ્તાખોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસલી ગુનેગારો સામે કડક કાર્યવાહી થશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આજ સુધી દારૂ જુગાર ચલાવતા કે, દારૂ જુગાર ની હપ્તા ખોરી કરનારા ચોકીદારો સામે ખરેખર કડક કાર્યવાહી થઈ છે?
તેના બદલે નાના ચોરો, સામાન્ય લોકો, કે કોઈ વ્યક્તિ જેના પરિવારના બે સભ્યો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોય એવા જ લોકો આ કાયદાના નિશાને ચઢી રહ્યા છે.
પત્રકારો અને ક્રાંતિકારીઓ જેમણે દારૂ, જુગાર અને હપ્તાખોરી સામે અવાજ ઉઠાવ્યો, તે જ લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાય છે. જો કોઈ વ્યક્તિ દારૂ કે જુગારના વિડીયો જાહેર કરે, તો પોલીસ ભ્રષ્ટાચાર ઉજાગર કરનારની સામે કાર્યવાહી કરે છે – ગુનેગારો સામે નહીં જાણે ગુજસીટોક કાયદો બનાવી ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર નું મોઢું બંધ કરવા બનાવ્યો હોય,
આ પરિસ્થિતિએ સામાન્ય માણસના મનમાં ડર અને અવિશ્વાસનો માહોલ ઊભો કર્યો છે. જેના કારણે ખરેખર ગુનાહિત તત્ત્વો વધુ બેફામ થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓમાં એવું પણ સામે આવ્યું છે કે બુટલેગરો અને કેટલાક ચોકીદાર વચ્ચે સીધો સંબંધ હોય છે, છતાં કાયદો ત્યાં પહોંચતો નથી.
સરકારના દાવા પ્રમાણે આ કાયદો ગુનેગારોને કાબૂમાં રાખવા માટે છે, પરંતુ હકીકતમાં તો ગુજસીટોક નામનો કાયદો સામાન્ય નાગરિક માટે કાળો કાયદો સમાન બની ગયો છે કે કેમ તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.