Rajkot, તા.9
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી તા.11ને શનિવાર સવારના 11 વાગ્યે રાજકોટની મુલાકાત લેનાર છે. તેઓ આ મુલાકાત દરમિયાન રાજકોટ સહિત રાજયભરના પંચાયત વિભાગના કરોડો રૂપિયાના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરનાર છે.
પંચાયત વિભાગના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો આ સમારોહ શહેરના કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના હોલમાં આયોજિત કરવામાં આવેલ છે. મુખ્યમંત્રીના આ સમારોહ અંગે જિલ્લા પંચાયત- વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
આ સમારોહમાં રાજયના મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઇ બાવળીયા તેમજ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે પંચાયત વિભાગનો રાજય કક્ષાનો આ કાર્યક્રમ છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટથી જ રાજકોટ જિલ્લા સહિત રાજયના રૂા. ર00 થી 300 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરનાર છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં દોઢ કલાકનું જ રોકાણ કરનાર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સત્કારવા માટે પંચાયત વિભાગ દ્વારા જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દિપાવલી પૂર્વે જ રાજયના પ્રજાજનોને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેંટ મળશે.